
બોટાદ, 28 નવેમ્બર (હિ.સ.)આરોગ્યવર્ધક ખોરાક લોકો સુધી પહોંચાડવાની નેમ સાથે બોટાદ જિલ્લાના ગઢડાના ૪૨ વર્ષીય યોગેશભાઈ ડવ વર્ષ ૨૦૧૭થી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ કરી રહ્યા છે. રસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓથી મુક્ત ખેતીના અભિગમને અપનાવી તેઓ ધરતીની ફળદ્રુપતા જાળવવા તેમજ લોકોને શુદ્ધ ખોરાક મળી રહે તે માટે પ્રયત્નશીલ છે.
યોગેશભાઈ પોતાના ખેતરમાં મગફળીનું ઉત્પાદન કરે છે અને તેમાંથી શુદ્ધ સિંગતેલ તૈયાર કરી વેચાણ કરે છે. તેમના દ્વારા ઉત્પાદિત સિંગતેલ ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ગ્રાહકો સુધી પહોંચે છે. ખેતીને માત્ર આવકનું સાધન નહીં, પરંતુ પ્રકૃતિ અને સમાજની સેવા સાથે જોડાયેલા વ્યવસાય તરીકે તેઓ જુએ છે.
તેમના મતે પ્રાકૃતિક કૃષિમાં જમીનનું સ્વાસ્થ્ય જળવાય છે, ખેતીમાં બિનજરૂરી ખર્ચ ઘટે છે અને લાંબા ગાળે ખેડૂતોને આર્થિક રીતે ફાયદો થાય છે. રસાયણિક ખેતીની સરખામણીએ પ્રાકૃતિક ખેતી અનેક ગણો ફાયદાકારક હોવાનું તેઓ માને છે.
ગાય આધારિત ખેતીના પોતાના અનુભવના આધારે યોગેશભાઈ અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક કૃષિ અપનાવવા પ્રેરણા આપી રહ્યા છે. રાષ્ટ્રસેવા, પર્યાવરણ સંરક્ષણ અને સ્વસ્થ સમાજના નિર્માણના ધ્યેય સાથે તેઓ પ્રાકૃતિક ખેતીનો સંદેશ ફેલાવી રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA