

પાટણ, 28 નવેમ્બર (હિ.સ.) : પાટણ જિલ્લામાં ધોરણ 1થી 5ની કુલ 337 જગ્યાઓ માટે વિદ્યાસહાયક ભરતી કેમ્પ યોજાયો હતો. સરસ્વતી તાલુકાના બી.આર.સી. ભવન ખાતે જિલ્લા વિકાસ અધિકારી સી.એલ. પટેલના હસ્તે નવનિયુક્ત વિદ્યાસહાયકોને નિમણૂક હુકમો એનાયત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે સી.એલ. પટેલે શિક્ષકોને બાળકોને પ્રવૃત્તિ આધારિત અને મૂલ્ય આધારિત શિક્ષણ આપવા તેમજ તેમના સર્વાંગી વિકાસ માટે સમર્પિત રહી કામગીરી કરવા અનુરોધ કર્યો હતો. પાટણ જિલ્લામાં શ્રેષ્ઠ શિક્ષક તરીકે નામના મેળવવા પણ પ્રેરણા આપી હતી.
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એન.બી. ચાવડા અને તેમની ટીમ દ્વારા ભરતી પ્રક્રિયાનું આયોજન કરાયું હતું. ઉમેદવારો માટે ઓનલાઈન પોર્ટલ પર ખાલી અને ભરાયેલી જગ્યાઓની લાઈવ માહિતી ઉપલબ્ધ કરાવાઈ હતી, જેથી તેઓ પોતાની પસંદગી મુજબ શાળાની પસંદગી કરી શક્યા હતા.
કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન દિલીપજી ઠાકોર, મધુબેન દેસાઈ, જયરામભાઈ જોષી, ડૉ. હેમાંગીબેન પટેલ, બાબુભાઈ દેસાઈ, મહાદેવભાઈ દેસાઈ, મહેશભાઈ પટેલ, જયંતીજી ઠાકોર, જીતુભાઈ પટેલ, માનાભાઈ રબારી, પ્રવીણસિંહજી પરમાર સહિત વિવિધ શૈક્ષણિક અધિકારીઓ, સંગઠનના હોદ્દેદારો અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન નિલેશ શ્રીમાળીએ કર્યું હતું. નવા વિદ્યાસહાયકો હવે પાટણ જિલ્લાના પ્રાથમિક શિક્ષણમાં સેવા આપશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ