અંબાજી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના રૂ. ૬.૭૨ લાખના ઉચાપત કેસમાં તત્કાલીન પ્રિન્સિપાલ મોદનાથ મિશ્રા અને હેડ ક્લાર્ક દિનેશ ઉપાધ્યાયને ૭ વર્ષની કેદ
બનાસકાંઠા, 28 નવેમ્બર (હિ.સ.) : શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત અંબાજી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, અંબાજીના નાણાકીય ઉચાપત કેસમાં તત્કાલીન પ્રિન્સિપાલ ડૉ. મોદનાથ મિશ્રા અને તત્કાલીન હેડ ક્લાર્ક દિનેશભાઈ ઉપાધ્યાયને કોર્ટ દ્વારા સાત-સાત
uchapat-na-aaropi-jel-ma


uchapat-na-aaropi-jel-ma


બનાસકાંઠા, 28 નવેમ્બર (હિ.સ.) : શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત અંબાજી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, અંબાજીના નાણાકીય ઉચાપત કેસમાં તત્કાલીન પ્રિન્સિપાલ ડૉ. મોદનાથ મિશ્રા અને તત્કાલીન હેડ ક્લાર્ક દિનેશભાઈ ઉપાધ્યાયને કોર્ટ દ્વારા સાત-સાત વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે. ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, ૧૯૮૮ની કલમ ૧૨, ૧૩(૧)(સી) તથા ૧૩(૨) મુજબના ગુના સબબ વિશેષ એ.સી.બી. અદાલતે આ ઐતિહાસિક ચુકાદો આપતા બંને દોષિતોને કેદ ઉપરાંત પ્રત્યેકને રૂ. ૫,૦૦૦નો દંડ પણ ફટકાર્યો છે. સમગ્ર ઘટનાની વિગતો મુજબ, શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત શ્રી અંબાજી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, અંબાજીના સને ૨૦૦૮-૦૯ના નાણાકીય વર્ષના હિસાબોનું ઓડિટ દેવસ્થાન ટ્રસ્ટના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વિર્ક એચ.પી.સિંઘ એન્ડ કંપની, અમદાવાદ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઓડિટ દરમિયાન કોલેજમાં ચાલતા ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી એજ્યુકેશન સેન્ટરના હિસાબોમાં ગંભીર નાણાકીય અનિયમિતતા જણાઈ હતી. ત્યારબાદ કોલેજના હિસાબોની પુનઃચકાસણી કરાતાં નાણાકીય ગેરરીતિની વિગતો સામે આવી હતી, જેમાં અભ્યાસ કેન્દ્રના કમ્પ્યુટર વપરાશનાં નાણાં દેવસ્થાન ટ્રસ્ટના ખાતામાં જમા કરાવવાના બદલે 'પ્રિન્સિપાલ, અંબાજી આર્ટ્સ કોલેજ, કુંભારિયા' ખાતેના નામે ખોલાવવામાં આવેલા ખાતામાં જુદા-જુદા ચેક દ્વારા કુલ રૂ.૬,૭૨,૪૨૪ જમા કરાવવામાં આવ્યા હતા. તપાસમાં બહાર આવ્યું હતું કે તત્કાલીન પ્રિન્સિપાલ ડૉ. મોદનાથ વૈદ્યનાથ મિશ્રા અને તત્કાલીન હેડ ક્લાર્ક દિનેશભાઈ મણીલાલ ઉપાધ્યાયે આ રકમ ઉપાડી અંગત ઉપયોગમાં લઈ નાણાંની ઉચાપત આચરી હતી.

આ મામલે તત્કાલીન ઇન્ચાર્જ પ્રિન્સિપાલ વી.કે. વૈષ્ણવે અંબાજી પોલીસ સ્ટેશનમાં એફ.આઈ.આર. નં. ૧૦૧/૨૦૦૯ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. જેના અનુસંધાને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, ૧૯૮૮ની જોગવાઈઓ મુજબ બનાસકાંઠા-પાલનપુરની અદાલતમાં સ્પેશિયલ એ.સી.બી. કેસ નં. ૧૦/૨૦૧૨ અને ૧૧/૨૦૧૨ દાખલ કરવામાં આવ્યા હતા. આ કેસોમાં વિશેષ સરકારી વકીલ તરીકે બી.કે. આચાર્ય અને દેવસ્થાન ટ્રસ્ટના પેનલ વકીલ તરીકે યુ.બી. આચાર્ય નિયુક્ત થયા હતા, જેમણે સુનાવણી દરમિયાન સંબંધિત દસ્તાવેજો, સાક્ષીઓના નિવેદનો અને આધાર પુરાવાઓ સાથે સચોટ રજૂઆતો કરી હતી.

વર્ષ ૨૦૦૮-૦૯થી ચાલતા આ કેસમાં સંપૂર્ણ ન્યાયિક પ્રક્રિયા અને પુરાવાઓની ચકાસણી બાદ અમિત જે. કાનાણી, વિશેષ એ.સી.બી. તથા બીજા એડિશનલ જજ, બનાસકાંઠા-પાલનપુરે તા. ૨૬/૧૧/૨૦૨૬ના રોજ આખરી ચુકાદો સંભળાવ્યો હતો. અદાલતે સ્પેશિયલ એ.સી.બી. કેસ નં. ૧૦/૨૦૧૨માં તત્કાલીન પ્રિન્સિપાલ ડૉ. મોદનાથ વૈદ્યનાથ મિશ્રા અને કેસ નં. ૧૧/૨૦૧૨માં તત્કાલીન હેડ ક્લાર્ક દિનેશભાઈ મણીલાલ ઉપાધ્યાયને દોષિત ઠરાવ્યા હતા. નામદાર કોર્ટે ફોજદારી કાર્યવાહી સંહિતાની કલમ ૨૩૫(૨) હેઠળ તથા ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, ૧૯૮૮ની કલમ ૧૨, ૧૩(૧)(સી) અને ૧૩(૨) મુજબના ગુનાઓ બદલ બંને દોષિતોને સાત વર્ષની કેદની સજા અને પ્રત્યેકને રૂ. ૫,૦૦૦નો દંડ ફટકાર્યો છે. જો દંડની રકમ ભરવામાં ન આવે તો બંનેને વધુ છ માસની સાદી કેદની સજા ભોગવવાનો પણ હુકમ કરવામાં આવ્યો છે તેમ આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજીના વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદી એ જણાવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ


 rajesh pande