રાજકોટના BAPS સ્વામિનારાયણ મંદિરે નૂતન વર્ષે ૧૫૦૦થી વધુ વાનગીઓનો ભવ્ય અન્નકૂટ ધરાવાશે
દિવાળી નિમિત્તે વૈદિક ચોપડા પૂજન, સમૂહ આરતી અને નૂતન વર્ષે અન્નકૂટ દર્શનનું વિશેષ આયોજન રાજકોટ, 08 નવેમ્બર (હિ.સ.) : રાજકોટના BAPS સ્વામિનારાયણ મંદિરે દીપોત્સવી અને નૂતન વર્ષ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. ૧૦ નવેમ્બરને મંગળવારે નૂતન વર્ષના દ
રાજકોટ સ્વામિનારાયણ મંદિર


દિવાળી નિમિત્તે વૈદિક ચોપડા પૂજન, સમૂહ આરતી અને નૂતન વર્ષે અન્નકૂટ દર્શનનું વિશેષ આયોજન

રાજકોટ, 08 નવેમ્બર (હિ.સ.) : રાજકોટના BAPS સ્વામિનારાયણ મંદિરે દીપોત્સવી અને નૂતન વર્ષ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. ૧૦ નવેમ્બરને મંગળવારે નૂતન વર્ષના દિવસે ૧૫૦૦થી વધુ સાત્વિક વાનગીઓનો ભવ્ય અન્નકૂટ રચાશે. આ પ્રસંગે ચોપડા પૂજન, લક્ષ્મીપૂજન, રંગોળી અને સમૂહ આરતી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

દીપોત્સવી પર્વના પ્રારંભે હનુમાન પૂજાનો કાર્યક્રમ યોજાશે. દિવાળીના દિવસે સવારે ૯ થી ૧૧ કલાક દરમિયાન પ્રમુખસ્વામી સભાગૃહમાં વૈદિક ચોપડાપૂજન અને લક્ષ્મીપૂજન વિધિ હાથ ધરાશે. રાજકોટના વેપારીઓ અને ઉદ્યોગ સાહસિકો ધંધા-વ્યવહારના ચોપડા સાથે આ પૂજનવિધિમાં સહભાગી થઈ શકશે.

વિક્રમ સંવત ૨૦૮૨ના અંતિમ દિવસે સાંજે ૫ થી ૭:૩૦ કલાક દરમિયાન દીપોત્સવ સભા યોજાશે. આ સમયે મંદિર પરિસરમાં કલાત્મક દીવડાઓની રંગોળી પૂરવામાં આવશે અને ઠાકોરજી સમક્ષ હજારો દીવડાઓની સમૂહ આરતીનું આયોજન થશે. સાંજે ૭ વાગ્યે ભક્તો વર્ષની અંતિમ સંધ્યા આરતી કરી ઉત્સવની ઉજવણી કરશે.

વિક્રમ સંવત ૨૦૮૩ના નૂતન વર્ષે ૧૦ નવેમ્બરે સવારે ૭ વાગ્યે શણગાર આરતી સાથે દિનનો પ્રારંભ થશે. આ દિવસે ૧૫૦૦થી અધિક શુદ્ધ, સાત્વિક અને શાકાહારી વાનગીઓનો અન્નકૂટ ધરાવાશે. સવારે ૧૦ વાગ્યે અન્નકૂટની પ્રથમ આરતી થશે અને ત્યાર પછી સાંજે ૭ વાગ્યા સુધી દર કલાકે આરતીનો લાભ મળશે. દર્શનાર્થીઓ સવારે ૧૦ થી સાંજે ૭ વાગ્યા સુધી અન્નકૂટ દર્શન કરી શકશે અને તેમને પોકેટ કાર્ડ તથા પ્રસાદ આપવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande