




પોરબંદર, 08 નવેમ્બર (હિ.સ.) : દીપોત્સવી પર્વ નિમિત્તે પોરબંદરના પ્રસિદ્ધ મહાલક્ષ્મીજી મંદિરે માતાજીનાં દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો. વહેલી સવારથી જભક્તોની અવરજવર શરૂ થઈ હતી અને દિવસ દરમિયાન મોટી સંખ્યામાં ભાવિકોએ મંદિરે પહોંચીને માતાજીનાં દર્શનનો લાભ લીધો હતો. દિવાળીના પવિત્ર પર્વે મહાલક્ષ્મીજીનાં દર્શન કરીને શ્રદ્ધાળુઓએ ધન્યતા અનુભવી હતી.આ પ્રસંગે મહાલક્ષ્મીજીને વિશેષ રીતે શણગારવામાં આવ્યાં હતાં. માતાજીના દરબારમાં એક કરોડ રૂપિયાની ભારતીય ચલણી નોટો તેમજ વિદેશી ચલણ અમેરિકન ડોલરથી આકર્ષક શણગાર કરવામાં આવ્યો હતો. ચલણી નોટો અને ડોલરનો આ વિશેષ શણગાર દર્શનાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. માતાજીના દિવ્ય સ્વરૂપનાં દર્શન કરીને ભક્તો ભાવવિભોર બન્યા હતા.દિવાળીના પર્વને ધ્યાનમાં રાખીને સમગ્ર મંદિર પરિસરને રંગબેરંગી રોશની અને ધજાપતાકાથી શણગારવામાં આવ્યું હતું. રોશનીના ઝગમગાટ વચ્ચે મંદિરનો નજારો ભક્તિ અને ઉત્સાહથી ભરપૂર જોવા મળ્યો હતો. મંદિરમાં પ્રવેશ તાજ શ્રદ્ધાળુઓને કુમકુમનું તિલક કરીને આવકારવામાં આવતા હતા.ભક્તોએ માતાજીને કમળનાં પુષ્પ અર્પણ કરીને પોતાના પરિવારની સુખ-શાંતિ, આરોગ્ય અને સમૃદ્ધિમાટે પ્રાર્થના કરી હતી.દીપોત્સવી પર્વ દરમિયાન મોટીસંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે આવતા હોવાથી મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શન વ્યવસ્થાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. ભક્તોને કોઈ મુશ્કેલી વિના માતાજીનાં દર્શન થઈ શકે તેમાટે વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. શ્રદ્ધાળુઓની આસ્થાને ધ્યાનમાં રાખીને મંદિરનાં દ્વાર મોડી રાત સુધી દર્શન માટે ખુલ્લાં રાખવામાં આવ્યાં હતાં.દિવાળીના પર્વે મહાલક્ષ્મીજીના મંદિરમાં ઉમટેલી ભક્તોની ભીડ, ચલણી નોટો અને ડોલરનો વિશેષ શણગાર તેમજ રોશનીથી ઝળહળતું મંદિર પોરબંદરમાં દીપોત્સવી પર્વના ધાર્મિક ઉત્સાહનું આકર્ષક દૃશ્ય બની રહ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya