
પાટણ, 08 નવેમ્બર (હિ.સ.) : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના MBBS પરીક્ષાની ઉત્તરવહી કૌભાંડના આરોપી પાલનપુરના 25 વર્ષીય પાર્થ અશોકકુમાર મહેશ્વરીની જામીન અરજી પાટણ સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. જજ એચ. એસ. મુલીયાએ બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આ નિર્ણય આપ્યો હતો. સુનાવણી દરમિયાન કોર્ટે ગંભીર નોંધ લેતા જણાવ્યું હતું કે ખોટી રીતે ડોક્ટર બનનારા તબીબો સમાજ માટે જોખમી સાબિત થઈ શકે છે.
પાટણ સિટી બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, પાર્થ MBBS પ્રથમ વર્ષમાં નાપાસ થયો હતો. ત્યારબાદ નાપાસ વિદ્યાર્થીઓએ કેટલાક સિનિયર વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટીના કર્મચારીઓ સાથે મળીને કથિત કાવતરું ઘડ્યું હતું. આ કાવતરાના ભાગરૂપે પરીક્ષા ખંડની બહાર સુભાષચોક વિસ્તારમાં નવી પુરવણીઓ લખીને અસલ ઉત્તરવહીઓ બદલવામાં આવી હોવાનો આરોપ છે.
આ સમગ્ર ગેરરીતિમાં ખોટી રીતે ગુણ વધારી બનાવટી રી-એસેસમેન્ટ કાર્ડ તૈયાર કરવામાં આવ્યા હતા અને નાપાસ વિદ્યાર્થીઓને પાસ જાહેર કરી યુનિવર્સિટી સાથે છેતરપિંડી કરવામાં આવી હતી. સરકારી વકીલ એસ.એચ. ઠક્કરે જામીન અરજીનો વિરોધ કરતાં દલીલ કરી હતી કે પાર્થ આ કૌભાંડનો સીધો લાભાર્થી છે અને તેણે બહાર નવી ઉત્તરવહીઓ લખવામાં સક્રિય ભૂમિકા ભજવી હતી.
સરકારી વકીલે વધુમાં જણાવ્યું હતું કે ચાર્જશીટ રજૂ થઈ હોવા છતાં ગુનાની ગંભીરતા ઓછી થતી નથી, પરંતુ ચાર્જશીટમાં આરોપી વિરુદ્ધના પુરાવા વધુ સ્પષ્ટ થયા છે. જામીન મળ્યા બાદ આરોપી ટ્રાયલમાં હાજર ન રહે અથવા નાસી છૂટે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી હતી.
જજ એચ.એસ. મુલીયાએ બંને પક્ષોની દલીલો અને તપાસ અધિકારીનું સોગંદનામું ધ્યાનમાં લીધું હતું. કોર્ટે નોંધ્યું કે પાર્થ કૌભાંડનો સીધો લાભાર્થી છે અને ઉત્તરવહીઓ લખવામાં તેણે સક્રિય ભાગ ભજવ્યો હતો. હાઈકોર્ટ દ્વારા જામીન મેળવનાર સહઆરોપીની ભૂમિકા પાર્થથી અલગ હોવાથી સમાનતાના આધારે તેને જામીન આપી શકાય નહીં. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને પાટણ સેશન્સ કોર્ટે પાર્થ મહેશ્વરીની જામીન અરજી ફગાવી દીધી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ