
પાટણ, 08 નવેમ્બર (હિ.સ.) : દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને પાટણ જિલ્લા પંચાયત દ્વારા કર્મચારીઓના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. જિલ્લા પંચાયતના જિલ્લા વિકાસ અધિકારી સી.એલ. પટેલ અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી આર.કે. મકવાણાના હુકમથી 4 સિનિયર ક્લાર્કને મદદનીશ તાલુકા વિકાસ અધિકારી (TDO) તરીકે બઢતી આપવામાં આવી છે. જેમાં પશુપાલન શાખાના એ.આર. પરમારને સરસ્વતી, આરોગ્ય શાખાના એચ.પી. ચૌધરીને ચાણસ્મા, સમી બાંધકામ પેટા વિભાગના વી.કે. ડોડને સમી અને સિદ્ધપુર તાલુકા પંચાયતના એચ.બી. સોલંકીને સિદ્ધપુર ખાતે નિયુક્ત કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત 2 જુનિયર ક્લાર્કને સિનિયર ક્લાર્ક તરીકે બઢતી આપવામાં આવી છે. જેમાં શિક્ષણ શાખાના આર.જે. પટેલને પશુપાલન શાખામાં સિનિયર ક્લાર્ક બનાવાયા છે, જ્યારે પાટણ તાલુકા પંચાયતના એક જુનિયર ક્લાર્કને જિલ્લા પંચાયતની આરોગ્ય શાખામાં સિનિયર ક્લાર્ક તરીકે મૂકવામાં આવ્યા છે. જોકે બીજા કર્મચારીના નામનો હુકમમાં ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
જિલ્લા પંચાયતના 3 પટાવાળા સી.કે. ઠાકોર, આર.જી. ઠાકોર અને એ.એન. પટવાના 5 વર્ષના ફિક્સ પગારના સમયગાળાને નિયમિત સેવા તરીકે ગણી તેમનું પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ રિવાઇઝ કરવાનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત તલાટી કમ મંત્રી ભરતભાઈ પટેલને પણ નિયમિત પગાર ધોરણમાં સમાવવા હુકમ કરવામાં આવ્યો છે.
આમ, દિવાળીના તહેવાર પૂર્વે જિલ્લા પંચાયત દ્વારા કુલ 6 કર્મચારીઓને બઢતી, 3 પટાવાળાના ઉચ્ચતર પગાર ધોરણમાં સુધારો અને 1 તલાટીને નિયમિત પગાર ધોરણનો લાભ આપવાનો નિર્ણય કરવામાં આવતા સંબંધિત કર્મચારીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ