જામનગરમાં મોબાઈલ યુગ વચ્ચે પુસ્તક વાંચનના મહત્ત્વને ઉજાગર કરતી અદભુત રંગોળી
જામનગર, 08 નવેમ્બર (હિ.સ.) : જામનગરના ફાઈન આર્ટસ આર્ટિસ્ટ રિધ્ધિ શેઠે છેલ્લા પંદર વર્ષની પરંપરા મુજબ આ દિવાળીએ પણ સાંપ્રત પ્રશ્નને વાચા આપતી ચાર બાય છ ફૂટની આકર્ષક રંગોળી તૈયાર કરી છે. પંદર દિવસની જહેમત બાદ ચીરોડી કલરથી બનેલી આ કલાકૃતિમાં મોબાઈલ
વર્તમાન સ્થિતિને ઉજાગર કરતી રંગોળી


જામનગર, 08 નવેમ્બર (હિ.સ.) :

જામનગરના ફાઈન આર્ટસ આર્ટિસ્ટ રિધ્ધિ શેઠે છેલ્લા પંદર વર્ષની પરંપરા મુજબ આ દિવાળીએ પણ સાંપ્રત પ્રશ્નને વાચા આપતી ચાર બાય છ ફૂટની આકર્ષક રંગોળી તૈયાર કરી છે. પંદર દિવસની જહેમત બાદ ચીરોડી કલરથી બનેલી આ કલાકૃતિમાં મોબાઈલ સ્ક્રીન અને તેમાં પુસ્તક વાંચતા બાળકને દર્શાવીને આજના ડિજિટલ યુગમાં ઘટી રહેલી વાંચન પ્રત્યેની રૂચિનો સળગતો પ્રશ્ન કેન્દ્રસ્થાને રાખવામાં આવ્યો છે.

આર્ટિસ્ટ રિધ્ધિ શેઠના જણાવ્યા અનુસાર, સ્માર્ટફોનમાંથી દુનિયાભરનું જ્ઞાન અને માહિતી મળી રહે છે તે સાચું છે, પરંતુ તે કામચલાઉ યાદ રહે છે જ્યારે પુસ્તકોનું વાચન માનસિક સ્મૃતિમાં કાયમ માટે અંકિત રહે છે. આજની યુવા પેઢી અને વાલીઓને સીધી રીતે સ્પર્શતા આ વિષયને તેમણે પોતાના પુત્ર વ્યોમની વાંચન પ્રકૃતિને આધાર બનાવીને સુંદર રીતે અભિવ્યક્ત કર્યો છે, જે સમાજને વાંચન સંસ્કૃતિ ટકાવી રાખવાનો સીધો સંદેશ આપે છે.

આ રંગોળીનું સૌથી આકર્ષક પાસું તેની બાજુમાં ચીરોડી કલરથી જ તૈયાર કરાયેલું ક્યુઆર કોડ છે, જેને સ્કેન કરવાથી વાંચન પ્રેમીઓને ઉત્તમ પુસ્તકોની યાદી પણ મળી રહેશે. કલાના માધ્યમથી સામાજિક જાગૃતિ લાવવાનો આ પ્રયાસ જામનગરના કલારસિકો અને નાગરિકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande