અમદાવાદ સિવિલના પીડિયાટ્રીક સર્જનોએ બે બાળકીઓને આપ્યું નવજીવન
શ્વાસનળીમાંથી આંબલીની ગોટલી અને ગળામાંથી બુટ્ટી કાઢી અનુક્રમે ૮ વર્ષ અને ૭ મહિનાની બાળકીઓને ઉગારી. અમદાવાદ, 08 નવેમ્બર (હિ.સ.) : અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળ સર્જરી વિભાગના કુશળ તબીબોએ વધુ બે અત્યંત જટિલ કેસોમાં સફળ સર્જરી પાર પાડીને બે બાળકીઓના
અમદાવાદ સિવિલના પીડિયાટ્રીક સર્જનો


- શ્વાસનળીમાંથી આંબલીની ગોટલી અને ગળામાંથી બુટ્ટી કાઢી અનુક્રમે ૮ વર્ષ અને ૭ મહિનાની બાળકીઓને ઉગારી.

અમદાવાદ, 08 નવેમ્બર (હિ.સ.) : અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળ સર્જરી વિભાગના કુશળ તબીબોએ વધુ બે અત્યંત જટિલ કેસોમાં સફળ સર્જરી પાર પાડીને બે બાળકીઓના જીવ બચાવી રાજ્ય સરકારની આરોગ્ય સેવાઓની શ્રેષ્ઠતા સાબિત કરી છે. બાળકો દ્વારા રમતાં-રમતાં કે અજાણતાં ગળી ગયેલી વસ્તુઓ સમયસર બહાર ન નીકળે તો તે જીવલેણ સાબિત થઈ શકે છે, ત્યારે સિવિલ હોસ્પિટલના તબીબોની ત્વરિત અને યોગ્ય સમયસરની કામગીરીથી બંને બાળકીઓનો જીવ ઉગારી લેવાતાં બે પરિવારમાં દિવાળીમાં ખુશીઓ પાછી આવી છે.

પ્રથમ કિસ્સામાં, અમરેલી જિલ્લાના કોન્ટ્રાક્ટરનું કામ કરતા પરિવારની ૮ વર્ષની પુત્રીને આશરે એક મહિના અગાઉ રમતાં-રમતાં આંબલીની ગોટલી ગળી લીધી હતી. શરૂઆતમાં સ્થાનિક ખાનગી હોસ્પિટલમાં ઈએનટી વિભાગમાં સારવાર આપ્યા બાદ સ્થિતિ નિયંત્રણમાં જણાતી હતી. જોકે, એક મહિના બાદ બાળકીને શ્વાસ લેવામાં તકલીફ શરૂ થતાં તેને મહુવા ખાતેની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં સીટી સ્કેન કરવામાં આવ્યું અને બ્રોન્કોસ્કોપી દ્વારા ગોટલી બહાર કાઢવાનો પ્રયાસ પણ કરાયો હતો. પરંતુ પ્રક્રિયા દરમિયાન સર્જાયેલી મુશ્કેલીઓને પગલે બાળકીને વેન્ટિલેટર સપોર્ટ પર ૩૧ ઓક્ટોબરના રોજ સવારે ૭ વાગ્યે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલમાં બાળકીને તાત્કાલિક સર્જરી માટે લેવામાં આવી અને શ્વાસનળીમાં ફસાયેલી આંબલીની ગોટલી સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવી હતી. ઓપરેશન બાદ બાળકીને વેન્ટિલેટમાંથી સફળતાપૂર્વક બહાર લાવવામાં આવી હતી. હાલ બાળકી સંપૂર્ણપણે સ્થિર છે અને તેને રજા પણ આપી દેવાઈ છે.

બીજા કિસ્સામાં, ગાંધીનગરની માત્ર ૭ મહિનાની બાળકી પોતાની માતા સાથે રમતી હતી તે દરમિયાન ૪ નવેમ્બરના રોજ બપોરે આશરે ૪ વાગ્યે કાનની બુટ્ટી ગળી ગઈ હતી. બાળકીને ઊલટી થવા જેવી તકલીફ શરૂ થતાં પરિવારજનો તાત્કાલિક તેને નરોડાની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં એક્સ-રે તપાસમાં બુટ્ટી ગળાના ભાગમાં ફસાયેલી હોવાનું જણાયું હતું. બાળકીને ૪ નવેમ્બરના રોજ સાંજે ૭ વાગ્યે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવતાં જ તબીબોએ તાત્કાલિક સર્જરી હાથ ધરી ગળામાં ફસાયેલી બુટ્ટી સફળતાપૂર્વક બહાર કાઢી જીવનું જોખમ ટાળ્યું હતું. ઓપરેશન બાદ બાળકીની તબિયત સ્થિર છે અને હાલ તેને રજા આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.

આ બંને જટિલ સર્જરી બાળ સર્જરી વિભાગના તબીબ ડૉ. નિરખી શાહ દ્વારા, બાળ સર્જરી વિભાગના પ્રોફેસર અને વડા ડૉ. રાકેશ જોશીના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક કરવામાં આવી હતી. આ મુશ્કેલ પરિસ્થિતિમાં એનેસ્થેશિયા વિભાગના આસિસ્ટંત પ્રોફેસર ડૉ. સોનલના નેતૃત્વ હેઠળની ટીમે પણ અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

આ અંગે સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ અને બાળ સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, બાળકો રમતાં-રમતાં સિક્કા, બીજ, બુટ્ટી કે અન્ય નાની વસ્તુઓ મોઢામાં નાખી દેતા હોય છે. આવી વસ્તુઓ શ્વાસનળી કે અન્નનળીમાં ફસાઈ જાય તો શરૂઆતમાં લક્ષણો ન દેખાય, પરંતુ સમય જતાં ગંભીર મુશ્કેલી ઊભી થઈ શકે છે. ખાસ કરીને બાળકને શ્વાસ લેવામાં તકલીફ, સતત ઉધરસ, ઊલટી કે ગળવામાં મુશ્કેલી જણાય તો તાત્કાલિક તબીબી સારવાર લેવી અત્યંત જરૂરી છે. તેમણે માતા-પિતાને અનુરોધ કર્યો હતો કે બાળકોની આસપાસ નાની અને સરળતાથી ગળી શકાય તેવી વસ્તુઓ રાખવાનું ટાળવું જોઈએ.

આમ, અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળ સર્જરી અને એનેસ્થેશિયા વિભાગની ઉત્કૃષ્ટ અને સંકલિત કામગીરીથી બે અલગ-અલગ ઉંમરની બાળકીઓની જટિલ પરિસ્થિતિમાં પણ અત્યંત સફળ સારવાર શક્ય બની છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande