10 હજાર દીવડાઓની ઝળહળતી રોશની વચ્ચે ગાંધીનગર અક્ષરધામમાં ઉજવાશે ‘પ્રકાશનું પર્વ – દીપાવલિ’
ગાંધીનગર, 08 નવેમ્બર (હિ.સ.) : સનાતન ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિક પરંપરાના પવિત્ર સંદેશને ઉજાગર કરતું ‘પ્રકાશનું પર્વ – દીપાવલિ’ સ્વામિનારાયણ અક્ષરધામ, ગાંધીનગર ખાતે તા. ૮ નવેમ્બરથી ૧૫ નવેમ્બર, ૨૦૨૬ દરમિયાન ભવ્ય રીતે ઉજવવામાં આવશે. અજ્ઞાનરૂપી અંધ
અક્ષરધામ, ગાંધીનગર


અક્ષરધામ, ગાંધીનગર


ગાંધીનગર, 08 નવેમ્બર (હિ.સ.) : સનાતન ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિક પરંપરાના પવિત્ર સંદેશને ઉજાગર કરતું ‘પ્રકાશનું પર્વ – દીપાવલિ’ સ્વામિનારાયણ અક્ષરધામ, ગાંધીનગર ખાતે તા. ૮ નવેમ્બરથી ૧૫ નવેમ્બર, ૨૦૨૬ દરમિયાન ભવ્ય રીતે ઉજવવામાં આવશે. અજ્ઞાનરૂપી અંધકાર પર જ્ઞાનરૂપી પ્રકાશના વિજયના આધ્યાત્મિક મર્મને ઉજાગર કરતો આ દીપોત્સવી મહોત્સવ દર્શનાર્થીઓ માટે ભક્તિ, સંસ્કૃતિ અને અલૌકિક સૌંદર્યનો અનોખો અનુભવ બની રહેશે.

સ્વામિનારાયણ અક્ષરધામ પરિસરમાં છેલ્લા ૩૪ વર્ષથી દીપાવલિ પર્વની વિશેષ ઉજવણીની પરંપરા જળવાઈ રહી છે. આ પરંપરા અંતર્ગત દર વર્ષે ૧૦,૦૦૦ દીવડાઓની હારમાળા પ્રગટાવી સમગ્ર પરિસરને દીપમાળાઓથી ઝળહળતું કરવામાં આવે છે. સાંજના સમયે હજારો દીવડાઓના દિવ્ય પ્રકાશ વચ્ચે અક્ષરધામ મંદિરનું ભવ્ય સ્વરૂપ દર્શનાર્થીઓને મંત્રમુગ્ધ કરશે.

દીપોત્સવી ઉજવણી દરમિયાન હરિયાળા બગીચાઓને પ્રકાશમય બનાવતું ‘ગ્લો ગાર્ડન’, ‘નીલકંઠ વાટિકા’માં નયનરમ્ય રોશની અને ૧૦૮ ગૌમુખમાંથી વહેતી સંગીતમય જલધારાની મધ્યમાં બિરાજમાન તપોમૂર્તિ શ્રી નીલકંઠ વર્ણીની રમણીય મૂર્તિ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે. આ તમામ આકર્ષણો દર્શનાર્થીઓને ‘સત્યમ્ – શિવમ્ – સુંદરમ્’ની દિવ્ય અનુભૂતિ કરાવશે.

દીપાવલિ પર્વ નિમિત્તે મહામંદિરના ગર્ભગૃહમાં ભગવાન શ્રી સ્વામિનારાયણની મૂર્તિ સમક્ષ ભારતના સાંસ્કૃતિક વારસાનો સંદેશ આપતી ૧૨ ફૂટ × ૮ ફૂટની વિશાળ અને નયનરમ્ય રંગોળી પણ તૈયાર કરવામાં આવી છે. આ વર્ષની રંગોળીની થીમ માનવમાત્રના મનમાં ઉદ્ભવતા સનાતન પ્રશ્ન ‘જીવનમાં શાશ્વત સુખ માટે કયો માર્ગ અપનાવવો?’ પર આધારિત છે.

મહાભારતના પ્રસિદ્ધ વાક્ય ‘મહાજનો યેન ગતઃ સ પન્થાઃ’ એટલે કે ‘શાશ્વત સુખની પ્રાપ્તિ માટે મહાપુરુષોએ જે માર્ગ પ્રશસ્ત કર્યો છે, તેને અનુસરો’ના આધ્યાત્મિક સંદેશને રંગોળી દ્વારા સુંદર રીતે પ્રસ્તુત કરવામાં આવ્યો છે. આ રંગોળી ભારતીય સંસ્કૃતિ, જીવનમૂલ્યો અને આધ્યાત્મિક ચિંતનનો અનોખો સમન્વય રજૂ કરશે.

સ્વામિનારાયણ અક્ષરધામ ખાતે દીપાવલિ પર્વની ઉજવણી તા. ૮ નવેમ્બરથી ૧૫ નવેમ્બર, ૨૦૨૬ સુધી દરરોજ સાંજે ૬:૦૦થી ૭:૪૫ કલાક દરમિયાન દર્શનાર્થીઓ માટે ખુલ્લી રહેશે. જ્યારે સોમવાર, તા. ૯ નવેમ્બર, ૨૦૨૬ના રોજ પ્રદર્શન ખંડો, વૉટર શો સહિત અક્ષરધામનાં તમામ આકર્ષણો પણ ખુલ્લાં રહેશે.

આમ, દીવડાઓની ઝળહળતી રોશની, નયનરમ્ય સજાવટ, આધ્યાત્મિક સંદેશ અને ભારતીય સંસ્કૃતિની ઝાંખી સાથે ગાંધીનગરનું સ્વામિનારાયણ અક્ષરધામ દીપાવલિ પર્વે દર્શનાર્થીઓ માટે એક અવિસ્મરણીય અને આનંદદાયી અનુભવનું કેન્દ્ર બનશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande