
ગાંધીનગર, 08 નવેમ્બર (હિ.સ.) : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિક્રમ સંવત 2083 ના પ્રારંભ દિવસે તારીખ 10 નવેમ્બર, મંગળવારે નાગરિકો સાથે નૂતન વર્ષાભિનંદન શુભેચ્છાઓનું આદાન પ્રદાન કરશે.
મુખ્યમંત્રી મંગળવારે સવારે 7 કલાકે ગાંધીનગરમાં પંચદેવ મંદિરના દર્શન કરીને નૂતન વર્ષનો પ્રારંભ કરશે. તેઓ 07:30 વાગ્યે અડાલજ ખાતે ત્રિમંદિરમાં દર્શન પૂજન માટે જશે.
ત્યારબાદ તેઓ મંત્રીમંડળ નિવાસ સંકુલમાં આવેલા કોમ્યુનીટી સેન્ટર ખાતે સવારે 8:00 કલાકે નાગરિકો-પ્રજાજનો સાથે નૂતન વર્ષ નિમિત્તે શુભેચ્છાઓની આપ-લે કરશે.
મુખ્યમંત્રી ત્યાર બાદ 8:50 કલાકે રાજ ભવન ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી ને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવવા જશે.
ભૂપેન્દ્ર પટેલ સવારે 10:30 કલાકે અમદાવાદમાં એનેક્ષી સ્ટેટ ગેસ્ટ હાઉસ, શાહીબાગ ખાતે નાગરિકોને નવા વર્ષની શુભેચ્છાઓ માટે મળશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તે પહેલાં સવારે 10:00 વાગ્યે અમદાવાદમાં ભદ્રકાળી માતાના મંદિરે દર્શનાર્થે પણ જવાના છે.
નૂતન વર્ષ દિવસે બપોરે 11:45 કલાકે શાહીબાગ ડફનાળા ખાતે પોલીસ ઓફિસર્સ મેસમાં વરિષ્ઠ પોલીસ અફસરો અને તેમના પરિવારોને નૂતનવર્ષની શુભકામનાઓ પાઠવવા માટે આયોજિત સમારોહમાં પણ મુખ્યમંત્રી શ્રી ઉપસ્થિત રહેવાના છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ