
ડેપો મેનેજરે મીઠાઈ વહેંચી ડ્રાઈવર-કંડક્ટર સહિતના સ્ટાફની સમર્પણ ભાવનાને બિરદાવી તહેવારની અનોખી ખુશી વહેંચી
રાજકોટ, 08 નવેમ્બર (હિ.સ.) :
દિવાળીના પાવન પર્વે દરેક વ્યક્તિ પોતાના પરિવાર સાથે તહેવારની ખુશીઓ માણવા આતુર હોય છે, ત્યારે ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC)ના ડ્રાઇવર અને કંડક્ટર સહિતના કર્મચારીઓ પોતાની ફરજને સર્વોપરી માની સતત મુસાફરોની સેવામાં કાર્યરત રહે છે. પરિવારથી દૂર રહી હજારો મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાને પહોંચાડતા આવા કર્તવ્યનિષ્ઠ કર્મચારીઓની સેવાભાવનાને બિરદાવવા રાજકોટ ખાતે ખાસ ઉજવણી કરવામાં આવી હતી.
રાજકોટમાં તહેવારના દિવસોમાં અવિરત સેવા આપતા કર્મચારીઓની વચ્ચે ઉપસ્થિત રહી ડેપો મેનેજર એન.વી. ઠુંમર દ્વારા મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રયાસ થકી કર્મચારીઓ સાથે દિવાળીની ખુશીઓ વહેંચીને તહેવારની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે કર્મચારીઓના ચહેરા પર ખુશી લાવવાની સાથે તેમને સંસ્થાના એક પરિવારનો અભિન્ન હિસ્સો હોવાનો આત્મીયતાભર્યો અહેસાસ કરાવવામાં આવ્યો હતો.
આ ઉજવણી પાછળનો મુખ્ય હેતુ માત્ર મીઠાઈ વિતરણનો નહીં, પરંતુ તહેવારના દિવસોમાં પણ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવતા કર્મચારીઓના યોગદાનને બિરદાવવાનો, તેમનો ઉત્સાહ વધારવાનો અને સંસ્થા તથા કર્મચારીઓ વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવાનો છે. કોઈપણ સંસ્થાની સફળતા પાછળ તેના કર્મચારીઓની મહેનત અને નિષ્ઠાનો સૌથી મોટો ફાળો રહેલો હોય છે, જેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ અહીં જોવા મળ્યું હતું.
GSRTC એ માત્ર પરિવહન સેવા આપતી સંસ્થા નથી, પરંતુ ગુજરાતના લાખો નાગરિકોના જીવન સાથે જોડાયેલી વિશ્વસનીય વ્યવસ્થા છે. ગામડાંથી શહેર સુધી મુસાફરોને સલામત અને સુવિધાજનક પરિવહન સેવા પૂરી પાડવામાં કર્મચારીઓનું યોગદાન અમૂલ્ય છે. આ તકે ડેપો મેનેજર એન.વી. ઠુંમર દ્વારા ફરજ પર કાર્યરત તમામ કર્મચારીઓ અને તેમના પરિવારજનોને સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્યની હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt