
પંચમહાલ અને ગોધરા રૂટ પર મુસાફરોનો ભારે ધસારો; ઓનલાઈન બુકિંગમાં પણ મોટો ઉછાળો
રાજકોટ, 08 નવેમ્બર (હિ.સ.) : દિવાળીના તહેવારો દરમિયાન રાજકોટ એસ.ટી. વિભાગની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. તહેવારોની રજાઓમાં મુસાફરોની ભારે ભીડને કારણે છેલ્લા ત્રણ દિવસમાં જ રાજકોટ વિભાગને રૂ. 2.36 કરોડની તોંગી આવક પ્રાપ્ત થઈ છે. વિભાગના તમામ ૯ ડેપો પરથી નિયમિત અને વધારાની બસો પૂર્ણ ક્ષમતા સાથે દોડી રહી છે.
વિભાગ તરફથી મળતી માહિતી અનુસાર, તારીખ ૪ નવેમ્બરે રૂ. ૭૪ લાખ, ૫ નવેમ્બરે રૂ. ૭૭ લાખ અને ૬ નવેમ્બરે રૂ. ૮૫ લાખથી વધુની આવક થઈ હતી. ચાલુ વર્ષે નબળા ચોમાસાની અસર છતાં તહેવારો દરમિયાન દૈનિક આવકના જૂના રેકોર્ડ તૂટ્યા છે.
ચાલુ વર્ષે સૌથી વધુ ટ્રાફિક પંચમહાલ, ગોધરા અને ઝાલોદ તરફના રૂટો પર જોવા મળ્યો છે. આ ઉપરાંત વડોદરા, અમદાવાદ અને સુરેન્દ્રનગર રૂટ પર પણ મુસાફરોની સંખ્યા મોટી સંખ્યામાં રહી છે. અગાઉથી ટિકિટ બુક કરાવવામાં પણ મોટો ઉછાળો આવ્યો હતો, જેમાં બે લાખથી વધુ ટિકિટો એડવાન્સ અને ઓનલાઈન માધ્યમથી બુક થઈ હતી.
એસ.ટી. વિભાગના અંદાજ મુજબ મુસાફરોનો આ ધસારો હજુ આગામી બે થી ત્રણ દિવસ સુધી જળવાઈ રહેશે. ભાઈબીજના દિવસથી વળતા મુસાફરોનો રિટર્ન ટ્રાફિક શરૂ થતાં આવકમાં હજુ પણ વધારો થવાની શક્યતા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt