
પોરબંદર, 08 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર મહાનગરપાલિકાના વર્ગ-3 અને વર્ગ-4ના કર્મચારીઓના લાંબા સમયથી પડતર પગારનો પ્રશ્ન ઉકેલાઈ જતાં તેમજ છેલ્લા પાંચ મહિનાથી દર મહિને નિયમિત પગાર ચૂકવવામાં આવતાં કર્મચારીઓમાં ખુશીની લાગણી વ્યાપી છે. કર્મચારીઓએ આ મહત્વપૂર્ણ પ્રશ્નના ઉકેલ બદલ પોરબંદર મહાનગરપાલિકાના યુવા મેયર સાગર મોદીનું સન્માન કરી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.
અગાઉ પોરબંદર નગરપાલિકા અને ત્યારબાદ મહાનગરપાલિકા બન્યા પછી પણ વર્ગ-3 અને વર્ગ-4ના કર્મચારીઓના પાંચથી છ મહિનાના પગાર વારંવાર બાકી રહેતા હતા. જેના કારણે સામાન્ય અને નાના પગારધોરણમાં કામ કરતા કર્મચારીઓને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા સહિતની અનેક આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો.
આ પરિસ્થિતિમાં મહાનગરપાલિકાના યુવા મેયર સાગર મોદીએ વહીવટની જવાબદારી સંભાળ્યા બાદ કર્મચારીઓના પગારનો પ્રશ્ન પ્રાથમિકતાના ધોરણે ઉકેલવા માટે અસરકારક કામગીરી હાથ ધરી હતી. તેમણે એકાઉન્ટ વિભાગ, ઓડિટ વિભાગ અને વેરા વિભાગ વચ્ચે સંકલન સાધીને મહાનગરપાલિકાની આવક વધારવા તથા સ્વભંડોળ મજબૂત બનાવવા માટે સુદૃઢ આયોજન અને વહીવટી કામગીરી પર ભાર મૂક્યો હતો.
આ સુનિયોજિત કામગીરીના પરિણામે કર્મચારીઓના અગાઉના તમામ બાકી પગારની ચૂકવણી કરવામાં આવી હતી. એટલું જ નહીં, છેલ્લા પાંચ મહિનાથી કર્મચારીઓને દર મહિને નિયમિત પગાર મળી રહ્યો છે. ખાસ કરીને દિવાળીના પવિત્ર તહેવારને ધ્યાનમાં રાખીને મેયર સાગર મોદીની સૂચના અનુસાર કર્મચારીઓને તહેવાર પહેલાં સમયસર પગાર ચૂકવવામાં આવતાં કર્મચારીઓ અને તેમના પરિવારોમાં આનંદની લાગણી પ્રસરી છે.
કર્મચારીઓએ જણાવ્યું હતું કે સમયસર પગાર મળવાથી પરિવારની આર્થિક જવાબદારીઓ નિભાવવામાં સરળતા રહે છે અને તહેવારની ઉજવણી પણ આનંદપૂર્વક કરી શકાય છે. કર્મચારીઓની આ મુશ્કેલીને સમજીને તેનો કાયમી ઉકેલ લાવવા માટે પ્રયત્નશીલ રહેવા બદલ તમામ કર્મચારીઓએ મેયર સાગર મોદીનું સન્માન કરી આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે મેયર સાગર મોદીએ કર્મચારીઓને પગાર અંગે હવે ચિંતા કરવાની જરૂર નથી તેવી હૈયાધારણ આપતાં જણાવ્યું હતું કે મહાનગરપાલિકાના કર્મચારીઓ નિષ્ઠાપૂર્વક અને જવાબદારીપૂર્વક પોતાની ફરજ બજાવે તે જરૂરી છે. તેમણે કર્મચારીઓને પ્રજાજનો સાથે સૌજન્યપૂર્ણ અને સારો વ્યવહાર રાખવા, નાગરિકોની રજૂઆતો અને પ્રશ્નોને ગંભીરતાથી સાંભળવા તથા તેનો ઝડપી અને યોગ્ય નિકાલ કરવા ખાસ સૂચના આપી હતી.
મેયરએ મહાનગરપાલિકાની કામગીરી વધુ લોકાભિમુખ બને અને નાગરિકોને સમયસર સારી સેવાઓ મળી રહે તે માટે તમામ કર્મચારીઓને સંકલન અને સહકારથી કામગીરી કરવા અનુરોધ કર્યો હતો.
કર્મચારીઓના આર્થિક પ્રશ્નના ઉકેલ સાથે દિવાળી પહેલાં સમયસર પગારની ચૂકવણી થતાં મહાનગરપાલિકાના કર્મચારીઓમાં સંતોષ અને આનંદની લાગણી જોવા મળી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya