
જામનગર, 08 નવેમ્બર (હિ.સ.) : જામનગરના માધાપર ભુંગા વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા અસલમ ભગાડ નામના શ્રમિક યુવાનને અંગત જરૂરિયાત માટે લોનની આવશ્યકતા ઊભી થતા તે કર્ણાટક બેંકની શાખા ખાતે ગયા હતા. જ્યાં બેંકના કર્મચારી દ્વારા લોન મંજૂર કરાવી આપવાના બહાને ફરિયાદી અસલમ તેમજ તેના ભાઈ અને ભાભીના અસલ દસ્તાવેજો મેળવી લઈ જુદા-જુદા ફોર્મમાં સહીઓ કરાવી લેવામાં આવી હતી. આ ઉપરાંત અન્ય શખ્સોના કહેવાથી બે નવા મોબાઈલ સિમકાર્ડ પણ કઢાવીને બેંકકર્મીને આપવામાં આવ્યા હતા. ચાર દિવસ બાદ આરોપીઓ દ્વારા લોન મંજૂર નહીં થાય તેમ કહી દસ્તાવેજો પરત આપી દેવાયા હતા.
પરંતુ તે દસ્તાવેજોના આધારે આરોપીઓની આખી ગેંગ દ્વારા ફરિયાદી તથા તેના પરિવારજનોની જાણ બહાર કર્ણાટક બેંકમાં અલગ-અલગ નામોથી ત્રણ બૅંક ખાતા ખોલાવી નાખવામાં આવ્યા હતા. આ ત્રણેય ગેરકાયદેસર બેંક ખાતાઓમાં તારીખ વીસમી મે બે હજાર પચીસથી આઠમી ઓગસ્ટ બે હજાર પચીસના સમયગાળા દરમિયાન આશરે દોઢ કરોડ રૂપિયા જેટલી માતબર રકમની સાયબર ફ્રોડના નાણાકીય હેરાફેરી કરવામાં આવી હતી. આ મામલે ભોગ બનનાર યુવાન દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો.
પોલીસે આ ગંભીર પ્રકરણની સઘન તપાસ હાથ ધરીને ગુનામાં સંડોવાયેલા અસગર અબ્દુલ ચમડીયા, મહમદહનીફ સુલેમાનભાઈ મોડા, અસ્ફાક ઇંદ્રિશભાઈ મિયાવા અને અંજુમ ખિલજી નામના ચાર આરોપીઓની ધરપકડ કરી લીધી છે. ચારેય આરોપીઓને કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ જેલ હવાલે મોકલી આપવામાં આવ્યા છે, અને પોલીસ દ્વારા આ રેકેટમાં સંડોવાયેલા અન્ય શખ્સોની સંભવિત ભૂમિકા અંગે વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt