રાજકોટમાં ગ્રાહકો સાથે છેતરપિંડી: વજન ઓછો આપવા અને વધુ ભાવ વસૂલતા 45 એકમો સામે લાલ આંખ
રાજકોટ, 08 નવેમ્બર (હિ.સ.) : રાજકોટ કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા કચેરી દ્વારા તહેવારો દરમિયાન ગ્રાહકો સાથે થતી છેતરપિંડી રોકવા માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. ઓક્ટોબર માસમાં મીઠાઈ, ફરસાણ, ડ્રાયફ્રૂટ અને સુપરમાર્કેટ જેવા વેપારી એકમો
રાજકોટમાં ગ્રાહકો સાથે છેતરપિંડી: વજન ઓછો આપવા અને વધુ ભાવ વસૂલતા 45 એકમો સામે લાલ આંખ


રાજકોટ, 08 નવેમ્બર (હિ.સ.) : રાજકોટ કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા કચેરી દ્વારા તહેવારો દરમિયાન ગ્રાહકો સાથે થતી છેતરપિંડી રોકવા માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. ઓક્ટોબર માસમાં મીઠાઈ, ફરસાણ, ડ્રાયફ્રૂટ અને સુપરમાર્કેટ જેવા વેપારી એકમો પર અચાનક તપાસ હાથ ધરીને ગેરરીતિ આચરતા કુલ ૪૫ વેપારીઓ સામે કાયદેસરની દંડકીય કાર્યવાહી કરવામાં આવી છે.

નવરાત્રી અને દિવાળી પર્વ ટાણે રાજકોટ જિલ્લામાં કરવામાં આવેલી આ સઘન તપાસ દરમિયાન અધિકારીઓની ટીમે વિવિધ દુકાનોનું નિરીક્ષણ કર્યું હતું. તપાસમાં વજનમાં જથ્થો ઓછો આપવો, વજનકાંટાની સમયસર ચકાસણી ન કરાવવી જેવા નિયમોના ભંગ બદલ ૩૫ એકમો સામે કાર્યવાહી કરી રૂ. ૪૧,૧૦૦ ની માંડવાળ ફી વસૂલવામાં આવી હતી.

આ ઉપરાંત, પેકેજ્ડ કોમોડિટીઝ રૂલ્સનું પાલન ન કરવું, રજીસ્ટ્રેશન વગર વેપાર કરવો અને ચીજવસ્તુઓ પર છાપેલ એમ.આર.પી. કરતાં વધુ નાણાં વસૂલવાના ગંભીર ગુનાઓ પણ પકડાયા હતા. આવા ગેરકાયદેસર પ્રવૃત્તિ આચરતા ૧૦ મોટા એકમો પાસેથી કડક પગલાં રૂપે રૂ. ૧,૪૫,૦૦૦ નો ભારે દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

આ સમગ્ર ઝુંબેશ અંતર્ગત કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા કચેરીની ટીમે કુલ ૪૫ એકમો પાસેથી સ્થળ પર જ દંડ પેટે રૂ. ૧,૮૬,૧૦૦ ની રકમ વસૂલ કરી હતી. તંત્રની આ કડક કાર્યવાહીથી નિયમોનો ભંગ કરતા વેપારીઓમાં મોટો ફફડાટ ફેલાયો છે અને ભવિષ્યમાં પણ આવી અનિયમિતતાઓ સામે કડક પગલાં લેવાશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande