ગાંધીનગર મનપા દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી કરનાર સફાઈ કર્મચારીઓને રૂ.10,000 નું રોકડ ઇનામ એનાયત કરાયું
ગાંધીનગર, 08 નવેમ્બર (હિ.સ.) : ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શહેરની સ્વચ્છતા જાળવવામાં નિષ્ઠાપૂર્વક અને ઉત્કૃષ્ટ કામગીરી કરનાર સફાઈ કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા માટે એક વિશેષ સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત પ્રત્યેક વોર્ડમાં
ગાંધીનગર મનપા


ગાંધીનગર, 08 નવેમ્બર (હિ.સ.) : ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શહેરની સ્વચ્છતા જાળવવામાં નિષ્ઠાપૂર્વક અને ઉત્કૃષ્ટ કામગીરી કરનાર સફાઈ કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા માટે એક વિશેષ સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત પ્રત્યેક વોર્ડમાંથી પસંદગી પામેલા એક ઉત્કૃષ્ટ સફાઈ કર્મચારીને માનનીય મેયરશ્રીના વરદ હસ્તે રૂપિયા ૧૦,૦૦૦ નું રોકડ ઇનામ એનાયત કરવામાં આવ્યું હતું. આ પહેલનો મુખ્ય હેતુ શહેરની સફાઈ વ્યવસ્થામાં અહર્નિશ ફાળો આપતા કર્મયોગીઓની કામગીરીને બિરદાવવાનો અને તેમના શ્રમને યોગ્ય સન્માન આપવાનો છે.

આ સન્માન સમારોહમાં શહેરના મેયર, ડેપ્યુટી મેયર, સત્તાપક્ષના નેતાશ્રી તથા આસિસ્ટન્ટ ડાયરેક્ટર (સેનિટેશન) સહિત મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવોએ સફાઈ કર્મચારીઓની અથાક મહેનત, નિષ્ઠા અને ઉત્કૃષ્ટ સેવાઓની મુક્તકંઠે પ્રશંસા કરી હતી. શહેરને હંમેશા સ્વચ્છ, સુંદર અને સ્વસ્થ રાખવામાં આ સફાઈ કર્મીઓનું યોગદાન અત્યંત મહત્વપૂર્ણ છે, ત્યારે તેઓની આ નિષ્ઠાને સન્માનિત કરી અન્ય કર્મચારીઓને પણ ઉત્તમ કામગીરી કરવા માટે પ્રેરણા પૂરી પાડવાના આશયથી આ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મેયર એ ઉપસ્થિત તમામ સફાઈ કર્મચારીઓને દિવાળીના પાવન પર્વની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. તહેવારની ખુશીઓમાં સહભાગી બનવા અને પારિવારિક ભાવનાને દૃઢ કરવાના ઉમદા હેતુથી મહાનગરપાલિકા દ્વારા તમામ સફાઈ કર્મચારીઓને મીઠાઈનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ પ્રકારના પ્રોત્સાહક કાર્યક્રમો થકી સફાઈ કર્મચારીઓનો ઉત્સાહ વધારવા અને ગાંધીનગરને વધુ સ્વચ્છ અને સુઘડ બનાવવા માટે મહાનગરપાલિકા સતત કટિબદ્ધ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande