

ગાંધીનગર, 08 નવેમ્બર (હિ.સ.) : પ્રકાશના પર્વ દિવાળીના પાવન અવસરે સામાજિક સમરસતા અને આત્મીયતાનું ઉદાહરણ પૂરું પાડતા, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ ગાંધીનગરના સેક્ટર 19મા સ્થિત સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના સમાજ સુરક્ષા પ્રભાગ દ્વારા સંચાલિત સરકારી બાળ સંભાળ ગૃહની મુલાકાત લીધી હતી.
આ અવસરે લેડી ગવર્નર દર્શના દેવી, તેમની પુત્રવધૂ કવિતા તેમજ પૌત્ર આર્યમન પણ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલ અને તેમના પરિવારજનોએ બાળ સંભાળ ગૃહના બાળકો વચ્ચે પહોંચીને દિવાળીનો તહેવાર અત્યંત ઉષ્માભેર ઉજવ્યો હતો.
રાજ્યપાલ અને તેમના પરિવારજનોએ બાળકો સાથે સહજ અને આત્મીય સંવાદ સાધ્યો હતો. તેમણે બાળકોના ક્ષેમ-કુશળ પૂછીને તેમને ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદ આપ્યા હતા અને દિવાળીની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. રાજ્યપાલશ્રી તથા પરિવારજનોના વરદહસ્તે બાળકોને દિવાળીના પર્વ નિમિત્તે ભેટ અર્પણ કરવામાં આવી હતી. રાજ્યપાલને પોતાની વચ્ચે જોઈને બાળકોના ચહેરા પર અનોખી ખુશી અને ચમક જોવા મળી હતી.
આ તકે રાજ્યપાલએ બાળ સંભાળ ગૃહના સંચાલકો અને અધિકારીઓ પાસેથી ગૃહની સમગ્ર કાર્યપ્રણાલી, બાળકોના આહાર, રહેઠાણ, શિક્ષણ, સ્વાસ્થ્ય તેમજ મનોરંજન માટે કરવામાં આવતી વ્યવસ્થાઓ અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી. તેમણે સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓની સરાહના કરી બાળકોના સર્વાંગી વિકાસ માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ