જામનગરમાં જલારામબાપાની 227મી જન્મજયંતિની ભવ્ય ઉજવણીનું આયોજન
જામનગર, 08 નવેમ્બર (હિ.સ.) : ​ગુજરાતના જાણીતા ઐતિહાસિક નગર જામનગર ખાતે આગામી વિક્રમ સંવત ૨૦૮૩, કારતક સુદ ૭ ને સોમવાર, તારીખ ૧૬ નવેમ્બર ૨૦૨૬ના રોજ જલારામ બાપાની ૨૨૭મી જન્મજયંતિનો પવિત્ર મહોત્સવ તેમજ સમસ્ત લોહાણા સમાજની ૨૮મી સમૂહ નાત (જ્ઞાતિભોજન)ન
જામનગરમાં જલારામબાપાની 227મી જન્મજયંતિની ભવ્ય ઉજવણીનું આયોજન


જામનગર, 08 નવેમ્બર (હિ.સ.) :

​ગુજરાતના જાણીતા ઐતિહાસિક નગર જામનગર ખાતે આગામી વિક્રમ સંવત ૨૦૮૩, કારતક સુદ ૭ ને સોમવાર, તારીખ ૧૬ નવેમ્બર ૨૦૨૬ના રોજ જલારામ બાપાની ૨૨૭મી જન્મજયંતિનો પવિત્ર મહોત્સવ તેમજ સમસ્ત લોહાણા સમાજની ૨૮મી સમૂહ નાત (જ્ઞાતિભોજન)ના પ્રસંગને અતિ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવવામાં આવશે. જામનગર શહેરમાં સન ૧૯૯૯થી શરૂ થયેલો આ અવિરત સેવાયજ્ઞ ૨૭ વર્ષ પૂર્ણ કરી ૨૮માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યો છે, જેની તૈયારીઓ શ્રી જલારામ જયંતિ મહોત્સવ સમિતિ અને યુવાન કાર્યકરો દ્વારા પૂરજોશમાં ચાલી રહી છે.

​આ ત્રિદિવસીય ભવ્ય ઉત્સવની શરૂઆત તારીખ ૧૫ નવેમ્બર ૨૦૨૬ના રોજ સાંજે ૬:૦૦ કલાકે પ્રણામી સ્કૂલની સામે આવેલા 'જલારામનગર' મેદાન ખાતે રઘુવંશી સ્વયંસેવકોના વિશેષ સંમેલનથી થશે. ત્યારબાદ મુખ્ય પર્વ એટલે કે તારીખ ૧૬ નવેમ્બરના રોજ સવારે ૭:૩૦ કલાકે લિમડાલાઈન સ્થિત જામનગર પાંજરાપોળની ગૌશાળામાં ગાય માતાને ઘાસ અને લાડુ ખવડાવાનો ધાર્મિક કાર્યક્રમ યોજાશે. સવારે ૧૦:૦૦ થી ૧૧:૦૦ કલાક દરમિયાન સમસ્ત સારસ્વત બ્રાહ્મણ જ્ઞાતિ માટે ભોજન સમારોહ (માસ્તાન) યોજાશે અને ત્યારબાદ શહેરમાં પ્રસાદ વિતરણ માટે વિશેષ જલારામ રથનું પ્રસ્થાન કરાવવામાં આવશે.

​મહોત્સવના મુખ્ય આકર્ષણ તરીકે સવારે ૧૧:૦૦ થી બપોરે ૨:૦૦ વાગ્યા સુધી સમસ્ત લોહાણા જ્ઞાતિનું વિશાળ સમૂહ ભોજન (નાત) યોજાશે. આ સાથે જ ડો. દિપકભાઈ ભગદેના માર્ગદર્શન હેઠળ રઘુવંશી ડોક્ટરોની ટીમ દ્વારા થેલેસેમિયા વિશે જાગૃતિ લાવવા માટે વિશેષ પરીક્ષણ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, હાપા અને સાધના કોલોની સ્થિત જલારામ મંદિરોમાં સાંજે ૭:૦૦ કલાકે ભવ્ય મહાઆરતી અને પ્રસાદ વિતરણનું આયોજન રાખવામાં આવ્યું છે.

​જે અશક્ત, બીમાર અથવા વયોવૃદ્ધ વડીલો મહાપ્રસાદ લેવા માટે સ્થળ પર આવી શકે તેમ નથી, તેમના માટે ખાસ ટીફીનની વ્યવસ્થા કરવામાં આવી છે. તે માટે તારીખ ૧૨ થી ૧૫ નવેમ્બર દરમિયાન સાંજે ૫:૦૦ થી ૭:૦૦ વાગ્યા સુધી પંચેશ્વર ટાવર સ્થિત શ્રી મોદી લોહાણા મહાજનવાડી ખાતે નામ નોંધણી કરાવી પાસ મેળવી લેવાના રહેશે. સ્થાપક સદસ્યો અને નવયુવાન કાર્યકરોની ટીમ આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande