
ભાવનગર, 08 નવેમ્બર (હિ.સ.) : દિવાળી એટલે પ્રકાશ, આનંદ અને ખુશીઓનો તહેવાર. આ પર્વે દરેક પરિવાર ઉત્સાહપૂર્વક ઉજવણી કરતો હોય છે, પરંતુ આર્થિક સંકડામણને કારણે અનેક પરિવારો તહેવારની ખુશીઓથી વંચિત રહી જાય છે. આવા પરિવારોના જીવનમાં પણ દિવાળીની ખુશીનો પ્રકાશ પથરાય તેવા ઉમદા હેતુથી રેડક્રોસ સોસાયટી ભાવનગર દ્વારા છેલ્લા છ વર્ષથી સેવાકાર્ય કરવામાં આવી રહ્યું છે.
આ વર્ષે પણ સેવાભાવી લોકોના સહયોગથી જરૂરિયાતમંદ પરિવારોને કપડાં, સાડીઓ અને બાળકોને રમકડાંનું વિતરણ કરવામાં આવ્યું હતું. દર વર્ષે અંદાજે 2,000થી વધુ જોડી કપડાં અને સાડીઓ એકત્રિત કરીને શહેરના વિવિધ જરૂરિયાતમંદ વિસ્તારોમાં પહોંચાડવામાં આવે છે.
આ વર્ષે જલારામ મંદિર, આનંદનગર ખાતે વિશેષ આયોજન કરાયું હતું. જેમાં કપડાંનું વિતરણ દુકાન કે સેલની જેમ અલગ-અલગ કાઉન્ટર બનાવી કરવામાં આવ્યું હતું, જેથી લોકો પોતાની પસંદગી મુજબ કપડાં પસંદ કરી શકે. આ વ્યવસ્થાથી જરૂરિયાતમંદ પરિવારોને સ્વાભિમાન સાથે મદદ મળી હતી. શહેરના અન્ય વિસ્તારોમાં પણ બાળકોને રમકડાં અને પરિવારોને કપડાંનું વિતરણ કરાયું હતું.
આ ઉપરાંત થેલેસેમિયા, હિમોફિલિયા, કેન્સર અને કિડની ફેલ્યોર જેવા ગંભીર રોગોથી પીડિત દર્દીઓ તથા તેમના પરિવારોને દિવાળીની મીઠાઈ અને ફરસાણનું વિતરણ કરવામાં આવશે. અલંગના કામદારોનાં બાળકો સાથે પણ તહેવારની ઉજવણી કરી રેડક્રોસ સોસાયટીએ માનવતા અને સેવાભાવનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA