ઝૂંપડપટ્ટીના અંધકાર વચ્ચે મેંગોપીપલ પરિવારની માનવતા: સૌરાષ્ટ્રના 4 શહેરોમાં અનોખી દિવાળી
જામનગર, 08 નવેમ્બર (હિ.સ.) : સૌરાષ્ટ્રના ચાર શહેરોમાં ‘મેંગોપીપલ પરિવાર’ દ્વારા ઝૂંપડપટ્ટીના જરૂરિયાતમંદ બાળકો સાથે દિવાળીની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. આ સંસ્થાએ ૭૫૦થી વધુ બાળકોને મિષ્ટાન બોક્સ અને ૨૫૦થી વધુ ભૂલકાંઓને નવા વસ્ત્રોનું વિતરણ કરી તે
મેંગો પીપલ પરિવારની અનોખી દિવાળી


જામનગર, 08 નવેમ્બર (હિ.સ.) :

સૌરાષ્ટ્રના ચાર શહેરોમાં ‘મેંગોપીપલ પરિવાર’ દ્વારા ઝૂંપડપટ્ટીના જરૂરિયાતમંદ બાળકો સાથે દિવાળીની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. આ સંસ્થાએ ૭૫૦થી વધુ બાળકોને મિષ્ટાન બોક્સ અને ૨૫૦થી વધુ ભૂલકાંઓને નવા વસ્ત્રોનું વિતરણ કરી તેમના ચહેરા પર અણમોલ સ્મિત ખીલાવ્યું હતું અને માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

સમાજના છેવાડે વસતા અને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરતા સ્લમ વિસ્તારના બાળકો માટે તહેવારો માત્ર એક સ્વપ્ન સમાન હોય છે. આ વાસ્તવિકતાને બદલવા માટે 'મેંગોપીપલ પરિવાર' દ્વારા રાજકોટ, જામનગર, મોરબી અને વાંકાનેર જેવા પ્રમુખ શહેરોમાં વિશેષ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. મોરબીના વજેપરવાડી, લજાઈ અને ગોકુલનગર, વાંકાનેરના ચંદ્રપુર, જામનગરના ભીમવાસ, આંબેડકરનગર અને પ્રદર્શન ગ્રાઉન્ડ તેમજ રાજકોટના રૈયાધાર અને અટીકા વિસ્તારની ઝૂંપડપટ્ટીઓમાં જઈને બાળકોને મિષ્ટાન બોક્સ અર્પણ કરાયા હતા.

માત્ર મીઠાઈ જ નહીં, પરંતુ તહેવારનો વાસ્તવિક આનંદ અપાવવા માટે સંસ્થા દ્વારા શાળાએ જતા ૨૫૦થી વધુ જરૂરિયાતમંદ બાળકોને તદ્દન નવા વસ્ત્રો ભેટ આપવામાં આવ્યા હતા. નવા કપડાં પહેરીને બાળકોના ચહેરા પર જે અદ્ભુત આનંદ અને ખુશી જોવા મળી હતી, તેણે ઉપસ્થિત સૌ કોઈના હૃદયને સ્પર્શી લીધા હતા અને દિવાળીના પર્વને ખરા અર્થમાં સાર્થક બનાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, આ સંસ્થા છેલ્લા ૧૩ વર્ષથી સ્લમ વિસ્તારના બાળકોને નિઃશુલ્ક પાયાનું શિક્ષણ આપી મુખ્ય પ્રવાહમાં જોડવા કાર્યરત છે. સાથે જ 'પ્રોજેક્ટ મુસ્કાન' અંતર્ગત છેલ્લા ૯ વર્ષથી જરૂરિયાતમંદ બહેનોને સેનેટરી પેડ્સ અને હાઇજીન કિટ્સ પૂરી પાડી નારી સ્વાસ્થ્યની જાગૃતિ ફેલાવવામાં આવે છે. આ માનવતાવાદી કાર્યોમાં સહભાગી થવા મનીષભાઈ રાઠોડ (મો. +૯૧ ૯૨૭૬૦૦૭૭૮૬) નો સંપર્ક કરી શકાય છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande