
સોશિયલ મીડિયા પર નોટોના વીડિયો બનાવી લોકોને બનાવતા હતા ટાર્ગેટ, ભારતીય ચલણી નોટો જેવી દેખાતી ‘મનોરંજન બેંક’ લખેલી નોટોના બંડલથી રચતા હતા છેતરપિંડીનું ષડયંત્ર
કચ્છ, 08 નવેમ્બર (હિ.સ.) : ભુજમાં લોકોને ટૂંકા સમયમાં નાણાં ત્રણ ગણા કરી આપવાની લાલચ આપીને છેતરપિંડી કરવાનો પ્રયાસ કરતા બે શખ્સોને પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી ઠગાઈના એક કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આરોપીઓ એક લાખ રૂપિયાના બદલામાં ત્રણ લાખ રૂપિયા આપવાની લાલચ આપી લોકોને પોતાની જાળમાં ફસાવતા હતા. પોલીસની સતર્કતાને પગલે બંને શખ્સોનો ઈરાદો સફળ થાય તે પહેલાં જ તેઓને ઝડપી લેવામાં આવ્યા છે.
પશ્ચિમ કચ્છના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને પોલીસ અધિક્ષક વિકાસ સુંડાની સૂચના તથા માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ જિલ્લામાં સસ્તા સોનાની લાલચ તેમજ નાણાં બમણા કે ત્રણ ગણા કરી આપવાના બહાને લોકો સાથે છેતરપિંડી કરતા તત્વો પર નજર રાખી રહી હતી. આ દરમિયાન પોલીસને મળેલી ખાનગી બાતમીના આધારે ભુજ શહેરના આરટીઓ સર્કલ નજીક એચડીએફસી બેંક પાસેની ગલીમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.
પોલીસે સ્થળ પરથી કેમ્પ એરિયા, ડી.પી. ચોક, ભુજ ખાતે રહેતા સુફિયાન અભુ ઓઢેજા (ઉં.વ.૨૪) અને ઉઝેર અભુ ઓઢેજા (ઉં.વ.૨૧)ને ઝડપી લીધા હતા. બંનેની તપાસ દરમિયાન રૂ.૧૦૦, રૂ.૨૦૦ અને રૂ.૫૦૦ના દરની ચલણી નોટોના બંડલ જેવા દેખાતા કાગળના બંડલો મળી આવ્યા હતા. આ બંડલોમાં ઉપરની તરફ અસલી ભારતીય ચલણી નોટ મૂકવામાં આવી હતી, જ્યારે અંદરના ભાગમાં 'ભારતીય મનોરંજન બેંક' લખેલી નોટો રાખવામાં આવી હતી.
પ્રાથમિક તપાસમાં બંને આરોપીઓ આ બંડલોનો ઉપયોગ કરીને સોશિયલ મીડિયાના ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ જેવા માધ્યમો પર ચલણી નોટોના વીડિયો તથા એક લાખના બદલામાં ત્રણ લાખ રૂપિયા આપવાની લાલચભરી જાહેરાતો મૂકતા હોવાનું સામે આવ્યું છે. આ રીતે લોકોનો સંપર્ક કરી તેમને વિશ્વાસમાં લઈને નાણાં પડાવી આર્થિક લાભ મેળવવાનો પ્રયાસ કરતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
પોલીસે આરોપીઓ પાસેથી રૂ.૫,૬૦૦ની અસલ ભારતીય ચલણી નોટો, ૨૦૯ નકલી બંડલો, એક મોબાઇલ ફોન અને બે ટુ-વ્હીલર મળી કુલ અંદાજે રૂ.૭૦,૬૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નંબર ૨.૧૨૨૧/૨૦૨૬ હેઠળ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ ૧૮૨, ૩૧૮(૨), ૩૧૮(૪), ૬૧ અને ૬૨ મુજબ ગુનો નોંધાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે આ પ્રકારની લાલચભરી ઓફરથી સાવચેત રહેવા અને સોશિયલ મીડિયા પર નાણાં ત્રણ ગણા કરી આપવાના દાવાઓમાં વિશ્વાસ ન કરવા લોકોને અપીલ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar