


પોરબંદર, 08 નવેમ્બર (હિ.સ.) : દિવાળી એ પ્રકાશ, આનંદ અને ઉત્સાહનો પર્વ છે. આ પર્વની ઉજવણી દરમિયાન વીજળીનો વપરાશ
વધતો હોય છે, ત્યારે ઊર્જા સંરક્ષણ અને વીજળીના
વિવેકપૂર્ણ ઉપયોગનો સંદેશ આપવાના હેતુથી પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ
વર્ષે સાદગી અને સામાજિક જવાબદારીનું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. વીજળી
બચતના સંકલ્પ સાથે આ વર્ષે સેવા સદન તેમજ કલેક્ટર બંગલો ખાતે પરંપરાગત રોશની
કરવામાં આવી નથી.
આ અંગે જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણીએ જણાવ્યું હતું કે, દિવાળી પ્રકાશ અને રોશનીનો તહેવાર છે, પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં વીજળીની
બચત કરવી પણ એટલી જ જરૂરી છે. આ બાબતને ધ્યાને રાખીને આ વર્ષે કલેક્ટર કચેરી અને
કલેક્ટર બંગલો ખાતે રોશની કરવામાં આવી નથી. તેમણે સૌને અંતરના દીવાઓ પ્રગટાવીને
દિવાળીના પર્વની ઉજવણી કરવા શુભકામનાઓ પાઠવી હતી.
જિલ્લા વહીવટી તંત્રની આ પહેલ માત્ર વીજળીની
બચત પૂરતી સીમિત ન રહેતાં ઊર્જા સંરક્ષણ અને પર્યાવરણ પ્રત્યેની સામૂહિક
જવાબદારીનો સંદેશ પણ આપે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya