
એ-ડિવિઝન પોલીસ મથક પાસે જ દારૂબંધીના અમલ સામે સવાલો, કાયદાના ડર અંગે ચર્ચા
રાજકોટ, 08 નવેમ્બર (હિ.સ.) : રાજકોટના ધર્મેન્દ્ર રોડ વિસ્તારમાં એ-ડિવિઝન પોલીસ સ્ટેશનથી થોડા જ અંતરે જાહેર સ્થળે દેશી દારૂનું સેવન કરતા શખ્સનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ચકચાર મચી છે. શહેર પોલીસ દ્વારા દારૂબંધીના કડક અમલના કરવામાં આવતા દાવાઓ વચ્ચે આ પ્રકારની ઘટના સામે આવતા તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. પોલીસ મથકની સાવ નજીક જ નશાખોરી થતી હોવાને કારણે સ્થાનિકોમાં કાયદાના ડર અને પેટ્રોલિંગ વ્યવસ્થા અંગે ચર્ચા શરૂ થઈ છે.
વાયરલ થયેલા વીડિયોમાં ધર્મેન્દ્ર રોડ પર ભરબજારે બે વ્યક્તિઓ બેઠેલી જોવા મળે છે. જેમાં એક યુવાન શખ્સ બીજા પ્રૌઢ વ્યક્તિને દેશી દારૂની પોટલી આપે છે અને પ્રૌઢ વ્યક્તિ ત્યાં જ બેસીને દારૂ પીધા બાદ ત્યાંથી રવાના થઈ જાય છે. સમગ્ર ઘટનાનો વીડિયો કોઈ વ્યક્તિએ પોતાના મોબાઈલ કૅમેરામાં કેદ કરી સોશિયલ મીડિયા પર મૂકતાં આ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોકે, આ વીડિયો કયા સમયનો છે અને તેમાં દેખાતા શખ્સો કોણ છે તે અંગે હજુ સુધી સ્પષ્ટતા થઈ નથી.
રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં દારૂબંધીનો કડક કાયદો અમલમાં છે અને પોલીસ દ્વારા સમયાંતરે દરોડા પાડીને કાર્યવાહી કરવામાં આવતી હોય છે. આમ છતાં, સામાન્ય રીતે જ્યાં પોલીસની અવરજવર અને દેખરેખ સૌથી વધુ હોય તેવા પોલીસ સ્ટેશનના નજીકના વિસ્તારમાં જ ખુલ્લેઆમ દારૂનું સેવન થતું હોવાના દાવાને પગલે પોલીસની દેખરેખ અને કાર્યશૈલી સામે પ્રશ્નાર્થ ઊભો થયો છે. વિપક્ષ પણ અગાઉ બેફામ વેચાતા દારૂ અંગે પોલીસની રહેમનજર હેઠળ પ્રવૃત્તિઓ ચાલતી હોવાના આક્ષેપો કરી ચૂક્યો છે.
આ ઘટના બાદ શહેરના અન્ય વિસ્તારોમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને પોલીસની પેટ્રોલિંગ વ્યવસ્થામાં રહેલી ખામીઓ અંગે લોકોમાં ચર્ચા જાગી છે. હાલ આ વાયરલ વીડિયોને આધારે પોલીસ તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવે છે કે કેમ અને વીડિયોમાં દેખાતા શખ્સો સામે શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર ટકેલી છે. આ બનાવથી રાજકોટમાં દારૂબંધીના અસરકારક અમલીકરણ અંગે ફરી એકવાર પ્રશ્નો ઊભા થયા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt