મહુવાની દીકરી માનસી ઠાકર જાની COP31માં આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરશે
ભાવનગર, 08 નવેમ્બર (હિ.સ.) : ભાવનગર જિલ્લાના મહુવા માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. મહુવાના મૂળ વતની અને યુવા ક્લાઇમેટ એડવોકેટ માનસી ઠાકર જાનીની સંયુક્ત રાષ્ટ્રની જળવાયુ પરિવર્તન પરિષદ COP31 માટે ભારત સરકારના પર્યાવરણ મંત્રાલય દ્વારા સત્તાવાર પસંદગી કરવ
મહુવાની દીકરી


ભાવનગર, 08 નવેમ્બર (હિ.સ.) : ભાવનગર જિલ્લાના મહુવા માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. મહુવાના મૂળ વતની અને યુવા ક્લાઇમેટ એડવોકેટ માનસી ઠાકર જાનીની સંયુક્ત રાષ્ટ્રની જળવાયુ પરિવર્તન પરિષદ COP31 માટે ભારત સરકારના પર્યાવરણ મંત્રાલય દ્વારા સત્તાવાર પસંદગી કરવામાં આવી છે. તેમની આ પસંદગીથી મહુવા સહિત સમગ્ર ભાવનગર જિલ્લા અને ગુજરાતનું ગૌરવ વધ્યું છે.

તુર્કીના અંતાલ્યા ખાતે 9થી 20 નવેમ્બર, 2026 દરમિયાન COP31 આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાશે. આ પરિષદમાં વિશ્વભરના પ્રતિનિધિઓ, પર્યાવરણ નિષ્ણાતો, નીતિ નિર્માતાઓ અને સંશોધકો જળવાયુ પરિવર્તનના પડકારો, ગ્લોબલ વોર્મિંગ, કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો, પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ વિકાસ જેવા મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા કરશે.

માનસી ઠાકર જાની આ પરિષદમાં 'Party Overflow' બેજ હેઠળ ભારતનું પ્રતિનિધિત્વ કરશે. યુવા ક્લાઇમેટ એડવોકેટ તરીકે તેમની પસંદગી યુવા પેઢીની વૈશ્વિક પર્યાવરણ સંબંધિત ચર્ચાઓમાં વધતી ભાગીદારી દર્શાવે છે.

માનસીના મતે જળવાયુ પરિવર્તન સામેના વૈશ્વિક પ્રયાસો ત્યારે જ સફળ બની શકે, જ્યારે તેનું પરિવર્તન ગામો, શહેરો અને સ્થાનિક સમુદાયો સુધી પહોંચે. મહુવા જેવી નગરીમાંથી આંતરરાષ્ટ્રીય મંચ સુધી પહોંચેલી માનસીની આ સિદ્ધિ ગુજરાતના યુવાનો માટે પ્રેરણારૂપ બની રહેશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande