મેયર રૂપસિંગ ઠાકોર દ્વારા ફાયર વિભાગની મુલાકાત: નાગરિકનો અમૂલ્ય જીવ બચાવનાર ઘાયલ ફાયર જવાનોની સરાહનીય કામગીરીને બિરદાવી
ગાંધીનગર, 08 નવેમ્બર (હિ.સ.) :ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર રૂપસિંગ ઠાકોર દ્વારા દિવાળીના તહેવારને અનુલક્ષીને મહાનગરપાલિકાના ફાયર વિભાગની મુલાકાત લેવામાં આવી હતી. તહેવારો દરમિયાન શહેરમાં કોઈપણ પ્રકારની આગજની કે અન્ય દુર્ઘટના ન સર્જાય અને નાગરિકોની
મેયર રૂપસિંગ ઠાકોર


ગાંધીનગર, 08 નવેમ્બર (હિ.સ.) :ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર રૂપસિંગ ઠાકોર દ્વારા દિવાળીના તહેવારને અનુલક્ષીને મહાનગરપાલિકાના ફાયર વિભાગની મુલાકાત લેવામાં આવી હતી. તહેવારો દરમિયાન શહેરમાં કોઈપણ પ્રકારની આગજની કે અન્ય દુર્ઘટના ન સર્જાય અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત થાય તે હેતુથી મેયરએ ફાયર વિભાગની તમામ પૂર્વ તૈયારીઓની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે ફાયર બ્રિગેડના અધિકારીઓ અને જવાનો સાથે ચર્ચા કરીને તહેવારોમાં સતત એલર્ટ રહેવા તેમજ ઈમરજન્સીના સમયે ત્વરિત રેસ્ક્યુ કામગીરી હાથ ધરવા માટે જરૂરી અને સઘન સૂચનાઓ આપી હતી.

આ સમીક્ષા મુલાકાત દરમિયાન મેયરએ તાજેતરમાં જ એક સરાહનીય અને માનવતાભરી કામગીરી કરનાર ફાયર વિભાગના જવાનોની રૂબરૂ મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે, તારીખ 5મી નવેમ્બરના રોજ શહેરમાં આત્મહત્યા કરવા જઈ રહેલા એક વ્યક્તિનો જીવ બચાવીને ફાયર વિભાગના જવાનોએ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. પોતાના જીવના જોખમે એક અમૂલ્ય જિંદગી બચાવવાની આ કપરી રેસ્ક્યુ કામગીરી દરમિયાન ફાયર વિભાગના કર્મચારીઓ ઘાયલ થયા હતા. મેયર રૂપસિંગ ઠાકોરે આ ઘાયલ જવાનોને રૂબરૂ મળીને તેમના ખબરઅંતર પૂછ્યા હતા અને તેમની અદમ્ય હિંમત તથા ફરજનિષ્ઠાને હૃદયપૂર્વક બિરદાવી હતી.

પોતાના જીવની પરવા કર્યા વિના નાગરિકોની સુરક્ષા માટે સદાય તત્પર રહેતા ફાયર જવાનોની આ કામગીરી ગાંધીનગર મહાનગરપાલિકાની પ્રતિબદ્ધતા દર્શાવે છે. મેયરએ ઘાયલ જવાનોના ઝડપી સ્વાસ્થ્ય લાભ માટે કામના કરી તેઓને આ ઉત્કૃષ્ટ અને માનવતાવાદી કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા હતા. ગાંધીનગર મહાનગરપાલિકા શહેરના તમામ નાગરિકોને દિવાળીનો પવિત્ર તહેવાર સુરક્ષિત અને સાવચેતીપૂર્વક ઉજવવા અનુરોધ કરે છે, અને કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિમાં વિના વિલંબે ફાયર વિભાગનો સંપર્ક કરવા માટે અપીલ કરે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande