પ્રજાસત્તાક દિવસની પરેડ તાલીમ PRI RD કેમ્પ માટે કડી સર્વ વિશ્વવિદ્યાલયના સ્વયંસેવકની ગુજરાત ટીમમાં પસંદગી
હૈદરાબાદની અનુરાગ યુનિવર્સિટીમાં 10થી 19 નવેમ્બર દરમિયાન તાલીમ. ગાંધીનગર, 08 નવેમ્બર (હિ.સ.) : કડી સર્વ વિશ્વવિદ્યાલયના રાષ્ટ્રીય સેવા યોજના (NSS) સેલ માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. યુનિવર્સિટીના NSS સ્વયંસેવક અને બી.પી. કોલેજ ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્ર
સ્વયંસેવકની ગુજરાત ટીમમાં પસંદગી


સ્વયંસેવકની ગુજરાત ટીમમાં પસંદગી


- હૈદરાબાદની અનુરાગ યુનિવર્સિટીમાં 10થી 19 નવેમ્બર દરમિયાન તાલીમ.

ગાંધીનગર, 08 નવેમ્બર (હિ.સ.) : કડી સર્વ વિશ્વવિદ્યાલયના રાષ્ટ્રીય સેવા યોજના (NSS) સેલ માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. યુનિવર્સિટીના NSS સ્વયંસેવક અને બી.પી. કોલેજ ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનના સેમેસ્ટર-5 (ત્રીજા વર્ષ)ના વિદ્યાર્થી વેલાણી તનિષ્ક નાનજીની પ્રજાસત્તાક દિવસની પરેડ માટે યોજાતી પ્રિ-રિપબ્લિક ડે (Pre-RD) કેમ્પની પસંદગી પ્રક્રિયામાં ગુજરાત ટીમમાં પસંદગી થઈ છે. કડી સર્વ વિશ્વવિદ્યાલયના પ્રેસિડેન્ટ વલ્લભભાઈ એમ. પટેલે તનિષ્કની આ સિદ્ધિ બદલ વિશેષ અભિનંદન પાઠવ્યા હતા અને રાષ્ટ્રીય સ્તરે વધુ સફળતા પ્રાપ્ત કરી યુનિવર્સિટી તથા ગુજરાતનું ગૌરવ વધારવા શુભકામનાઓ આપી હતી. ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતાં તનિષ્ક હવે રાષ્ટ્રીય કક્ષાની પરેડની તાલીમ મેળવવા હૈદરાબાદ જવા રવાના થયા છે.

ગુજરાત વિદ્યાપીઠ ખાતે યોજાયેલી પ્રિ-RD કેમ્પની પસંદગી પ્રક્રિયામાં રાજ્યની વિવિધ યુનિવર્સિટીઓના NSS સ્વયંસેવકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધાત્મક પસંદગી પ્રક્રિયામાં સફળતા મેળવી ગુજરાતની ટીમમાં સ્થાન મેળવવું એ તનિષ્કની શિસ્ત, સમર્પણ, પ્રતિબદ્ધતા અને સતત મહેનતનું પરિણામ છે. પસંદગી પામેલા સ્વયંસેવકોને હૈદરાબાદ સ્થિત અનુરાગ યુનિવર્સિટી (Anurag University) ખાતે તા. 10 નવેમ્બરથી 19 નવેમ્બર દરમિયાન સઘન તાલીમ આપવામાં આવશે. આ તાલીમમાં સ્વયંસેવકોની શારીરિક ક્ષમતા, શિસ્ત, કદમ તાલમેલ, વ્યક્તિત્વ અને પરેડ સંબંધિત વિવિધ કૌશલ્યોનું મૂલ્યાંકન કરવામાં આવશે. તાલીમના અંતે અંતિમ પસંદગી પામનારા સ્વયંસેવકોને નવી દિલ્હી ખાતે યોજાનારી પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય પરેડમાં ભાગ લેવાની અમૂલ્ય તક મળશે, જ્યાં તેઓ મહામહિમ રાષ્ટ્રપતિની ઉપસ્થિતિમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.

યુનિવર્સિટીના NSS સેલ દ્વારા પણ આ સિદ્ધિને બિરદાવી સ્વયંસેવકને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આ ઉપરાંત બી.પી. કોલેજ ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનના આચાર્યશ્રી ડૉ. રમાકાંત પુષ્ટીએ પણ પોતાની કોલેજના વિદ્યાર્થીની આ રાષ્ટ્રીય કક્ષાની પસંદગી બદલ આનંદ અને ગૌરવની લાગણી વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય પરેડમાં ભાગ લેવાની તક મેળવવાની આ પ્રક્રિયા માત્ર એક સ્પર્ધાત્મક સિદ્ધિ નથી, પરંતુ યુવાનોમાં રાષ્ટ્રભાવના, શિસ્ત, એકતા, સમર્પણ, નેતૃત્વ અને રાષ્ટ્રીય એકતાના મૂલ્યોનું સંવર્ધન કરવાનું મહત્ત્વપૂર્ણ માધ્યમ છે. રાષ્ટ્રીય સેવા યોજના (NSS) દ્વારા વિદ્યાર્થીઓમાં સેવાભાવની સાથે રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારી, સામાજિક પ્રતિબદ્ધતા અને દેશના જવાબદાર નાગરિક બનવાની ભાવના પણ વિકસે છે.

સ્વયંસેવકોની આવી સિદ્ધિ કડી સર્વ વિશ્વવિદ્યાલયના સમગ્ર પરિવાર માટે ગૌરવની બાબત છે. તેમની આ સફળતા યુનિવર્સિટીના અન્ય વિદ્યાર્થીઓ અને NSS સ્વયંસેવકો માટે પણ રાષ્ટ્રીય સ્તરે પોતાની પ્રતિભા સાબિત કરવા તથા દેશસેવાના ક્ષેત્રે આગળ વધવા માટે પ્રેરણારૂપ બની રહેશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande