
છેલ્લા ચાર વર્ષમાં 1457 વિદ્યાર્થીઓએ સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો: શૈક્ષણિક સુધારા અને ભૌતિક સવલતો મુખ્ય કારણ
જામનગર, 08 નવેમ્બર (હિ.સ.) : જામનગર શહેરમાં છેલ્લા કેટલાક સમયથી શિક્ષણ ક્ષેત્રે એક સકારાત્મક બદલાવ જોવા મળી રહ્યો છે. ખાનગી શાળાઓની અનિયંત્રિત અને મોંઘી ફી તેમજ વધારાના ખર્ચથી પરેશાન વાલીઓ હવે સરકારી શાળાઓ તરફ આકર્ષાઈ રહ્યા છે. શાળાઓમાં શિક્ષણનું સ્તર સુધરવાની સાથે ભૌતિક સવલતો વધતાં વાલીઓ પોતાના બાળકોને ખાનગી શાળાઓમાંથી ઉઠાડીને સરકારી શાળામાં પ્રવેશ અપાવી રહ્યા છે.
સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના છેલ્લા ચાર વર્ષના આંકડા તપાસતા માલૂમ પડે છે કે કુલ 1457 વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓ છોડીને જામનગરની સરકારી શાળાઓમાં એડમિશન મેળવ્યું છે. આ બદલાવ દર્શાવે છે કે શહેરમાં શિક્ષણ અંગે વાલીઓની માનસિકતા બદલાઈ રહી છે. ખાનગી શાળાઓની સરખામણીએ સરકારી શાળાઓમાં મળી રહેલું ગુણવત્તાસભર શિક્ષણ અને મફત સવલતો વાલીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.
વર્ષવાર પ્રવેશના આંકડા પર નજર કરીએ તો વર્ષ 2023-24માં 337 વિદ્યાર્થીઓ અને વર્ષ 2024-25માં 293 વિદ્યાર્થીઓએ સરકારી શાળા પસંદ કરી હતી. ત્યારબાદ વર્ષ 2025-26માં આ સંખ્યા વધીને 503 સુધી પહોંચી હતી. આ સતત વધતો જતો ગ્રાફ દર્શાવે છે કે વર્ષોવર્ષ વાલીઓનો ભરોસો સરકારી શિક્ષણ વ્યવસ્થા પર વધુને વધુ દ્રઢ થઈ રહ્યો છે.
ચાલુ શૈક્ષણિક વર્ષ 2026-27ના માત્ર પ્રથમ અડધા વર્ષમાં જ 324 વિદ્યાર્થીઓએ સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવી લીધો છે. વર્ષના ઉત્તરાધમાં પણ ખાનગી શાળાઓમાંથી સરકારી શાળામાં એડમિશન લેવાની પ્રક્રિયા સતત ચાલુ જ છે. આ સ્થિતિ જોતાં શૈક્ષણિક વર્ષના અંત સુધીમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનો આ આંકડો એક નવો રેકોર્ડ સર્જે તેવી પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે.
સરકારી શાળાઓમાં સુસજ્જ સ્માર્ટ ક્લાસરૂમ, અનુભવી અને તાલીમબદ્ધ શિક્ષકો દ્વારા શિક્ષણ પૂરું પાડવામાં આવે છે. આ સિવાય મફત પાઠ્યપુસ્તકો, ગણવેશ અને મધ્યાહ્ન ભોજન જેવી યોજનાઓ વાલીઓને આર્થિક બોજમાંથી મુક્તિ અપાવે છે. ખાનગી શાળાઓના ભારેખમ ખર્ચમાંથી બચવાની સાથે ગુણવત્તાસભર શિક્ષણ મળતું હોવાથી વાલીઓ સરકારી શિક્ષણ વ્યવસ્થા પર પૂર્ણ વિશ્વાસ મૂકી રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt