
રેસકોર્સમાં આતશબાજી દરમિયાન પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.ડી. મકવાણાની ગેરવર્તણૂક: બાર એસોસિએશન લાલઘુમ
રાજકોટ, 08 નવેમ્બર (હિ.સ.) : રાજકોટના રેસકોર્સ મેદાનમાં યોજાયેલા આતશબાજીના કાર્યક્રમ દરમિયાન ભીડ નિયંત્રણમાં નિષ્ફળ રહેલા પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.ડી. મકવાણાએ પોતાની હદ વટાવીને એક વકીલના પુત્ર સાથે અમાનવીય વર્તન કર્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભીડમાં સાવ પાછળ શાંતિથી ઊભેલા અર્પિત જોબનપુત્રા નામના યુવક પાસે જઈને પીઆઈએ કોઈ પણ કારણ વગર તેનું ગળું દબાવ્યું હતું અને જાહેરમાં મહિલાઓ તથા બાળકોની હાજરીમાં અપશબ્દો બોલ્યા હતા. આ ઘટનાનો વીડિયો વાઈરલ થતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે અને સામાન્ય લોકોમાં પણ ભારે આશ્ચર્ય ફેલાયું છે.
પીઆઈના આ અન્યાયી અને મનસ્વી વર્તન સામે અર્પિતના પિતા અને છેલ્લા ૨૮ વર્ષથી વકીલાત કરતા સિનિયર એડવોકેટ ભરત જોબનપુત્રાએ તાત્કાલિક પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં જઈને રજૂઆત કરી હતી. ડી-સ્ટાફની કેબિનમાં બે કલાક સુધી રાહ જોવડાવ્યા બાદ જ્યારે પીઆઈ મકવાણા આવ્યા ત્યારે એડવોગેટ દ્વારા વીડિયો બતાવીને ગેરવર્તન અંગે વાત કરવામાં આવી હતી. પરંતુ, કાયદાના રક્ષક ગણાતા આ અધિકારીએ પોતાની ભૂલ સ્વીકારવાને બદલે ઉદ્ધતાઈપૂર્વક જણાવ્યુ હતું કે, થાય તે કરી લ્યો, જે દરવાજેથી આવ્યા ત્યાંથી પાછા જાઓ અને વીડિયો જ્યાં અપલોડ કરવો હોય ત્યાં કરી દેજો, તેમ કહીને એક વકીલ સાથે પણ અપમાનજનક વ્યવહાર કર્યો હતો.
આ ઘટના બાદ પીડિત યુવકને શારીરિક દુખાવો થતાં તેને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર કરાવીને એમ.એલ.સી. કેસ નોંધી લેવામાં આવ્યો છે. આ મામલે એડવોકેટ ભરત જોબનપુત્રાએ રાજકોટ પોલીસ કમિશનર સમક્ષ લેખિત ફરિયાદ દાખલ કરીને પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનની હદમાં બનેલી આ ઘટનાની નિષ્પક્ષ તપાસ કોઈ ઉચ્ચ અધિકારી દ્વારા કરાવવાની જોરદાર માંગ કરી છે, જેથી જવાબદાર પોલીસ અધિકારી સામે કાયદેસરની અને કડક કાર્યવાહી થઈ શકે.
આ સમગ્ર પ્રકરણની ગંભીર નોંધ લઈને રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ સુમિત વોરાના માર્ગદર્શન હેઠળ વકીલોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો, જેને પગલે બાર એસોસિએશન દ્વારા એક સખત ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. આ ઠરાવમાં પીઆઈ એમ.ડી. મકવાણા દ્વારા એડવોકેટ અને તેમના પુત્ર સાથે કરવામાં આવેલા ગેરવર્તન, ગળું પકડીને ગાળો ભાંડવાની ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવી છે. બાર એસોસિએશને પોલીસ કમિશનર સમક્ષ રજૂઆત કરી છે કે આ મામલે તાત્કાલિક ધોરણે પીઆઈ સામે કડક પગલાં લેવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ પોલીસ અધિકારી સામાન્ય નાગરિક કે વકીલ સાથે આ પ્રકારનું દાદાગીરીભર્યું વર્તન કરવાની હિંમત ન કરે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt