રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની મેગા ડ્રાઇવ: ૧૦૦ કુખ્યાત ગુનેગારો સામે પાસા હેઠળ તવાઈ
દિવાળીના તહેવારો ટાંકણે પોલીસનો સપાટો; મર્ડર, લૂંટ અને દારૂના રીઢા ગુનેગારોને રાજ્યની અલગ-અલગ જેલોમાં ધકેલવાની કવાયત શરૂ રાજકોટ, 08 નવેમ્બર (હિ.સ.) : રાજકોટમાં દિવાળી અને નવા વર્ષની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં થાય તે માટે ક્રાઈમ બ્રાન્ચે એક મોટો એ
રાજકોટ શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ


દિવાળીના તહેવારો ટાંકણે પોલીસનો સપાટો; મર્ડર, લૂંટ અને દારૂના રીઢા ગુનેગારોને રાજ્યની અલગ-અલગ જેલોમાં ધકેલવાની કવાયત શરૂ

રાજકોટ, 08 નવેમ્બર (હિ.સ.) :

રાજકોટમાં દિવાળી અને નવા વર્ષની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં થાય તે માટે ક્રાઈમ બ્રાન્ચે એક મોટો એક્શન પ્લાન અમલમાં મૂક્યો છે. ડીસીપી જગદીશ બાંગરવાની રાહબરી હેઠળ પોલીસે ૧૦૦ કુખ્યાત ગુનેગારોને શોર્ટલિસ્ટ કરી કાળી ચૌદશથી જ પાસા હેઠળ સકંજામાં લેવાની મેગા ડ્રાઇવ શરૂ કરી છે, જેના કારણે અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનાવવા અને સામાન્ય નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે. છેલ્લા કેટલાક સમયથી અસામાજિક પ્રવૃત્તિઓમાં સક્રિય રહેલા તત્વોનો ડેટા એકત્ર કરીને ૧૦૦ જેટલા ખુંખાર ગુનેગારોની યાદી તૈયાર કરવામાં આવી છે. આ શખ્સો સામે અગાઉ મર્ડર, જીવલેણ હુમલા, સશસ્ત્ર લૂંટ, ઘરફોડ ચોરી અને દારૂ-જુગાર જેવા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે, જેઓની સંપૂર્ણ ગુનાહિત કુંડળી પોલીસ દ્વારા કઢાઈ છે.

સામાન્ય જનતાને ધાક-ધમકી આપતા અને શહેરમાં રોફ જમાવતા માથાભારે તત્વો સામે પોલીસે આરપારની લડાઈ લડવાનું શરૂ કર્યું છે. આ અભિયાન અંતર્ગત શોર્ટલિસ્ટ કરાયેલા ગુનેગારો સામે પાસા હેઠળની દરખાસ્તો તૈયાર કરી તેમને રાજકોટથી દૂર ગુજરાતની અન્ય સેન્ટ્રલ જેલોમાં મોકલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેથી નાગરિકો ભયમુક્ત વાતાવરણમાં તહેવારો માણી શકે.

આ મેગા ઓપરેશનને સફળ બનાવવા માટે એસીપી ભરત બસીયાના સુપરવિઝન હેઠળ પીઆઈ અજીતસિંહ ચાવડા, એમ.એલ. ડામોર અને ચીરાગ જાદવના નેતૃત્વમાં ક્રાઈમ બ્રાન્ચની વિશેષ ટીમો બનાવવામાં આવી છે. આ ટીમો દ્વારા ગુનેગારોના સંભવિત આશ્રયસ્થાનો પર આકસ્મિક દરોડા પાડવામાં આવી રહ્યા છે, જેના કારણે કેટલાક માથાભારે શખ્સો ભૂગર્ભમાં ઉતરી ગયા છે.

પોલીસની આ કડક કાર્યવાહીના કારણે ગુનાખોરી આચરતા તત્વોની દિવાળી બગડી ગઈ છે. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ફરાર થયેલા ગુનેગારોને પણ ઝડપી લેવા માટે પોલીસ દ્વારા સઘન ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે, અને સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જનસુરક્ષા સાથે કોઈીપણ પ્રકારની નરમાઈ દાખવવામાં આવશે નહીં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande