
રાજકોટ, 08 નવેમ્બર (હિ.સ.) : રાજકોટ ડિવિઝને તાજેતરમાં પાર્સલ ક્ષેત્રે નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. પશ્ચિમ રેલવેના આ ડિવિઝને ૬ નવેમ્બર, ૨૦૨૬ના રોજ ₹૧૧.૦૧ લાખની રેકોર્ડ એકદિવસીય આવક મેળવી છે, જે અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખે છે. આ સિદ્ધિ ડિવિઝનની વ્યાપારી પ્રવૃત્તિઓ અને વેપારીઓના વધતા વિશ્વાસને દર્શાવે છે.
ડિવિઝન દ્વારા વેપારીઓને આકર્ષવા અને પ્રોત્સાહિત કરવા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ નીતિના પરિણામે આર્ટિફિશિયલ જ્વેલરી, પિત્તળ અને ઓટોમોબાઇલ પાર્ટ્સ, ઘરવખરીનો સામાન, કાપડ, શાકભાજી, ફળો તેમજ નાશવંત ચીજવસ્તુઓનું મોટા પ્રમાણમાં પરિવહન રેલવે દ્વારા કરવામાં આવી રહ્યું છે. વેપારીઓની જરૂરિયાતો મુજબ સુવિધાઓ વિકસાવવા પર વિશેષ ભાર અપાયો છે.
આ ઉપરાંત, ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ દરમિયાન ૧ એપ્રિલથી ૩૧ ઑક્ટોબર સુધીમાં કુલ ૨,૩૪,૩૬૭.૫ ક્વિન્ટલ માલનું વહન કરાયું છે, જેમાંથી ₹૮,૪૪,૪૪,૮૫૫ની માલભાડા આવક થઈ છે. આ પ્રભાવશાળી આંકડા ડિવિઝનની મજબૂત આર્થિક પ્રગતિ અને કાર્યક્ષમ પરિવહન વ્યવસ્થાની સાક્ષી પૂરે છે.
મંડળ રેલ પ્રબંધક ગિરિરાજ કુમાર મીના અને વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક સુનીલ કુમાર મીનાએ આ સફળતાનો શ્રેય અધિકારીઓ અને કર્મચારીઓની સમર્પિત ટીમ ભાવનાને આપ્યો છે. ભવિષ્યમાં પણ આવા સંકલિત પ્રયાસો દ્વારા રેલવે આવકમાં સતત વૃદ્ધિ થવાનો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt