
સુરત, 08 નવેમ્બર (હિ.સ.) : દિવાળી અને છઠ્ઠ પૂજાના તહેવારોને કારણે સુરતથી બિહાર અને ઉત્તર પ્રદેશ તરફ જતી ટ્રેનોમાં મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે. ઉધના રેલવે સ્ટેશન પર શુક્રવારથી જ હજારો મુસાફરો વતન જવા ઉમટી પડ્યા હતા. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા વધારાની સ્પેશિયલ ટ્રેનો શરૂ કરવામાં આવી હતી. રેલવેના જણાવ્યા મુજબ, માત્ર બે દિવસમાં અંદાજે 50થી 60 હજાર મુસાફરોને તેમના વતન તરફ રવાના કરવામાં આવ્યા છે. આ આંકડો ગત વર્ષના રેકોર્ડ કરતાં લગભગ બમણો છે.
મુસાફરોની વધતી સંખ્યાને પહોંચી વળવા રેલવે દ્વારા દર બે કલાકે વિશેષ ટ્રેનોનું સંચાલન કરવામાં આવ્યું હતું. 7 અને 8 નવેમ્બર દરમિયાન માત્ર 15 કલાકમાં 9 સ્પેશિયલ અને 3 નિયમિત મળીને કુલ 12 ટ્રેનો દોડાવવામાં આવી હતી, જેમાં અંદાજે 43,500થી 43,800 મુસાફરોની અવરજવર થઈ હતી. જયનગર, મધુબની, કાનપુર અને બ્રહ્મપુર સહિતના રૂટ પર વધારાની ટ્રેનો દોડાવી મુસાફરોને રાહત આપવામાં આવી હતી. રાત્રિના સમયે પણ ભીડ યથાવત રહેતા રેલવે કર્મચારીઓ દ્વારા સતત વ્યવસ્થા સંભાળવામાં આવી હતી.
ભીડને નિયંત્રિત કરવા ઉધના સ્ટેશન પર આશરે 14થી 15 હજાર ચોરસ મીટર વિસ્તારમાં ત્રણ વિશાળ યાત્રી સુવિધા કેન્દ્રો ઊભાં કરવામાં આવ્યાં છે. અહીં પીવાનું પાણી, પંખા, શૌચાલય, ટિકિટ બારી અને CCTV સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. મુસાફરોને પહેલા વેઇટિંગ એરિયામાં બેસાડવામાં આવે છે અને ટ્રેન આવ્યા બાદ વ્યવસ્થિત લાઈનમાં કોચ સુધી પહોંચાડવામાં આવે છે. મુસાફરોએ પણ રેલવેની વ્યવસ્થાની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે ભીડ હોવા છતાં ધક્કામુક્કી વગર ટ્રેનમાં બેસવાની સુવિધા મળી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે