
રાજકોટ, 08 નવેમ્બર (હિ.સ.) : દિવાળી અને નૂતન વર્ષના તહેવારોને પગલે રાજકોટની બજારોમાં ખરીદીનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શરૂઆતના દિવસોમાં ભાવવધારાને કારણે ફટાકડા માર્કેટમાં મંદીનો માહોલ હતો, પરંતુ કાળી ચૌદશના દિવસથી વહેલી સવારથી જ સદર બજાર સહિતના વિસ્તારોમાં છૂટક ફટાકડાની ખરીદી માટે લોકોની ભીડ જામતા વેપારીઓમાં ખુશીની લહેર વ્યાપી છે.
રાજકોટ શહેરના વિવિધ વિસ્તારો અને સ્ટોલ્સ પર ફટાકડાની ખરીદીમાં અચાનક મોટો ઉછાળો નોંધાયો છે. છેલ્લા પંદર દિવસ સુધી મુખ્યત્વે હોલસેલ વેચાણ ચાલ્યા બાદ, હવે તહેવારના અંતિમ દિવસોમાં છૂટક ખરીદીએ વેગ પકડ્યો છે. વાલીઓ પોતાના બાળકો સાથે ફટાકડાની ખરીદી કરવા માટે બજારમાં ઉમટી રહ્યા છે. કાળી ચૌદશની મોડી રાત સુધી ખરીદીનો દોર ચાલુ રહ્યો હતો, જેના કારણે આગામી દિવસોમાં પણ ફટાકડાની માંગ વધુ રહેશે તેવી વેપારીઓ આશા રાખી રહ્યા છે.
ભાવવધારા અને મોંઘવારીની બજાર પર અસર
ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ફટાકડાના ભાવોમાં ૨૦ થી ૨૫ ટકા સુધીનો વધારો થયો છે. સામાન્ય મોંઘવારીની સાથે ફટાકડાના ભાવવધારાને કારણે શરૂઆતના દિવસોમાં બજારની રોનક કાંઈક અંશે ઝાંખી જોવા મળી હતી. વેપારીઓના જણાવ્યા મુજબ વધેલા ભાવને કારણે ગ્રાહકો શરૂઆતમાં ખરીદીથી દૂર રહ્યા હતા, પરંતુ તહેવારના મુખ્ય દિવસો નજીક આવતા જ લોકોએ ખરીદી શરૂ કરી દીધી છે.
સદર બજાર સહિતના વિસ્તારોમાં રોનક વધી
શહેરના સદર બજાર તેમજ અન્ય પ્રમુખ વેપારી મથકો પર વહેલી સવારથી જ ખરીદદારોની મોટી લાઈનો જોવા મળી હતી. મોંઘવારીના છાયા વચ્ચે પણ લોકોમાં દિવાળી ઉજવવાનો ઉત્સાહ યથાવત રહ્યો છે. અંતિમ બે-ત્રણ દિવસોમાં બજારમાં જોવા મળેલી ગ્રાહકોની ભીડને કારણે ફટાકડા માર્કેટ ફરી એકવાર ધમધમી ઉઠ્યું છે અને વેપારીઓ માટે આ દિવસો રાહતજનક સાબિત થયા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt