
ગીર સોમનાથ, 08 નવેમ્બર (હિ.સ.) : પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના પવિત્ર સાનિધ્યમાં દિવાળીના પાવન પર્વે સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અને ભારત રત્ન લાલકૃષ્ણ અડવાણીના જન્મદિવસ નિમિત્તે વિશેષ ધાર્મિક અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે લાલકૃષ્ણ અડવાણીના નિરામય સ્વાસ્થ્ય, સુખાકારી અને દીર્ઘાયુષ્યની મંગલકામના સાથે સોમનાથ મંદિરમાં આયુષ્ય મંત્ર જાપ અને મહાપૂજાનું આયોજન કરાયું હતું. જેમાં તેમના પ્રતિનિધિ સ્વરૂપે સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા તેમજ ટ્રસ્ટ પરિવારના સભ્યોએ શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો હતો. વૈદિક મંત્રોચ્ચાર અને ધાર્મિક વિધિ-વિધાન સાથે મહાદેવના ચરણોમાં પ્રાર્થના અર્પણ કરવામાં આવી હતી.
દિવાળીનો પર્વ ભારતીય સંસ્કૃતિમાં પ્રકાશ, આધ્યાત્મિકતા, નવી આશા અને મંગલકામનાનું પ્રતીક છે. ત્યારે આ પવિત્ર અવસરે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આયુષ્ય મંત્ર જાપ અને મહાપૂજાના માધ્યમથી અડવાણીના સ્વસ્થ, સુખમય અને દીર્ઘ જીવન માટે પ્રાર્થના કરવામાં આવી હતી. સોમનાથ ટ્રસ્ટ પરિવાર દ્વારા આ પ્રસંગને ભક્તિભાવ અને આધ્યાત્મિક આસ્થા સાથે ઉજવવામાં આવ્યો હતો.
આમ, દિવાળીના પાવન પર્વે સોમનાથ મહાદેવના ચરણોમાં વિશેષ પૂજન-અર્ચન અને આયુષ્ય મંત્ર જાપ દ્વારા ભારત રત્ન લાલકૃષ્ણ અડવાણીના દીર્ઘાયુષ્યની પ્રાર્થના સાથે સોમનાથમાં ભક્તિ, શ્રદ્ધા અને પ્રકાશના પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ