
સુરત, 08 નવેમ્બર (હિ.સ.) : દિવાળી અને નૂતન વર્ષના તહેવારો દરમિયાન વતન જવા માટે સુરતમાંથી મોટી સંખ્યામાં મુસાફરો નીકળતાં એસટી વિભાગને નોંધપાત્ર સફળતા મળી છે. મુસાફરોની વધતી ભીડને ધ્યાનમાં રાખીને સુરત એસટી વિભાગ દ્વારા 4થી 7 નવેમ્બર દરમિયાન આશરે 1300 વધારાની બસોનું સંચાલન કરવામાં આવ્યું હતું. આ ચાર દિવસમાં કુલ 61,518 મુસાફરોએ એસટી બસ મારફતે પોતાના વતનની મુસાફરી કરી હતી. આ દરમિયાન નિગમને કુલ ₹2,59,96,164ની આવક થઈ હતી અને 4,63,636 કિલોમીટરનું સંચાલન નોંધાયું હતું.
તહેવાર પહેલાં 6 નવેમ્બરના રોજ મુસાફરોની સૌથી વધુ ભીડ જોવા મળી હતી. આ દિવસે 500થી વધુ ટ્રીપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 26,638 મુસાફરોએ મુસાફરી કરી હતી. એક જ દિવસમાં વિભાગને ₹1,10,22,955ની આવક થઈ હતી. જ્યારે 7 નવેમ્બરના રોજ 260 ટ્રીપ દ્વારા 11,954 મુસાફરોને સેવા આપવામાં આવી હતી, જેનાથી ₹59.74 લાખની આવક થઈ હતી. આ આંકડા તહેવારો દરમિયાન એસટી બસો પ્રત્યે મુસાફરોનો વધેલો વિશ્વાસ દર્શાવે છે.
સુરતથી ઝાલોદ, દાહોદ, રામનગર-ઝાલોદ, અમરેલી, મહુવા, સાવરકુંડલા અને ગારીયાધાર સહિતના રૂટ પર સૌથી વધુ મુસાફરોનો ધસારો રહ્યો હતો. વ્યક્તિગત મુસાફરો ઉપરાંત સોસાયટીઓ અને વિવિધ સંગઠનોના ગ્રૂપ બુકિંગમાં પણ નોંધપાત્ર વધારો થયો હતો. માત્ર 6 નવેમ્બરના રોજ ગ્રૂપ બુકિંગ હેઠળ 164 બસો દોડાવવામાં આવી હતી, જેના થકી ₹37.62 લાખની આવક થઈ હતી. તહેવારોના સમયગાળામાં સુરત એસટી વિભાગનું આ વિશેષ સંચાલન મુસાફરોની સુવિધા સાથે નિગમની આવકમાં પણ મોટો ફાળો આપી ગયું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે