
- ગોલ્ડન અને સિલ્વર ફેન્સી નંબરો મેળવવા ઈચ્છુક વાહન માલિકો ઓનલાઈન પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરીને હરાજી પ્રક્રિયામાં ભાગ લઈ શકશે.
રાજકોટ, 08 નવેમ્બર (હિ.સ.) :
રાજકોટ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા ટ્રાન્સપોર્ટ પ્રકારના વાહનો માટેની GJ 03 CX સીરીઝ અને અગાઉની સીરીઝના બાકી રહેલા પસંદગીના નંબરોનું રી-ઓક્શન આવામી ૧૪મી નવેમ્બરથી યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વાહન માલિકો પોતાના વાહન માટે ગોલ્ડન કે સિલ્વર જેવા ફેન્સી નંબર મેળવવા માટે પરિવહન વિભાગની અધિકૃત વેબસાઈટ parivahan.gov.in/fancy પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવીને રી-ઓક્શનની હરાજી પ્રક્રિયામાં ભાગ લઈ શકશે.
ઓનલાઈન પ્રક્રિયામાં ભાગ લેવા માટે અરજદારે પરિવહન પોર્ટલ પર જઈને ઓનલાઈન સર્વિસિસ વિભાગમાં 'ફેન્સી નંબર બુકિંગ' વિકલ્પ પસંદ કરવાનો રહેશે. ત્યાં પબ્લિક યુઝર આઈડી બનાવીને C.N.A. ફોર્મ ઓનલાઈન ભરવાનું રહેશે. ત્યારબાદ પોતાની પસંદગીનો નંબર સિલેક્ટ કરી નિયત લઘુત્તમ ફી ભરીને ઓનલાઈન બિડિંગ પ્રક્રિયામાં જોડાઈ શકાશે. હરાજીમાં સફળતાપૂર્વક નંબર મેળવ્યા પછી પાંચ દિવસની અંદર બાકીની રકમ ચૂકવીને આર.ટી.ઓ. કચેરીમાંથી જરૂરી મંજૂરી મેળવવાની રહેશે.
સમયપત્રક અનુસાર GJ 03 CX સીરીઝ અને અગાઉની બાકી સીરીઝ માટે તા. ૧૪/૧૧/૨૦૨૬ના રોજ સાંજે ૦૪:૦૦ કલાકથી તા. ૧૮/૧૧/૨૦૨૬ના રોજ સાંજે ૦૪:૦૦ કલાક સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. ઓનલાઈન બિડિંગની પ્રક્રિયા તા. ૧૮/૧૧/૨૦૨૬ના રોજ સાંજે ૦૪:૦૧ કલાકથી શરૂ થઈને તા. ૨૦/૧૧/૨૦૨૬ના રોજ સાંજે ૦૪:૦૦ કલાક સુધી ચાલશે. ત્યારબાદ બિડિંગનું પરિણામ તા. ૨૦/૧૧/૨૦૨૬ના રોજ સાંજે ૦૪:૧૫ કલાકે ઓનલાઈન જાહેર કરવામાં આવશે.
આ પ્રક્રિયામાં ભાગ લેવા માટે વાહનના વેચાણની તારીખથી ૭ દિવસની અંદર ઓનલાઈન C.N.A. ફોર્મ ભરેલું હોવું અનિવાર્ય છે. નિર્ધારિત સમય મર્યાદા બહાર આવેલી અરજીઓ રદ ગણાશે અને તેને ધ્યાને લેવામાં આવશે નહીં. તેથી ઈચ્છુક વાહન માલિકોએ સમયસર ઓનલાઈન રજિસ્ટ્રેશન અને બિડિંગ પૂર્ણ કરી લેવાનું રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt