સરકાર દ્વારા પાઇપલાઇન ગેસ ફરજિયાત કરવા તરફ પગલું? જામનગરમાં ગ્રાહકોના ગેસ સિલિન્ડરનાં જોડાણો ટપોટપ રદ થતાં રોષ
જામનગર, 08 નવેમ્બર (હિ.સ.) : જામનગરમાં પાઇપલાઇન સુવિધા વગર સિલિન્ડર જોડાણ રદ થતાં ગ્રાહકોમાં ભારે રોષ વ્યાપ્યો છે. ગેસ કંપનીઓ દ્વારા પાઇપલાઇન પૂરી પાડ્યા વગર જ પૂરવઠો બંધ કરી દેવાતાં લોકો હેરાન થાય છે. બુકિંગ માટે માત્ર વોટ્સએપ વિકલ્પ હોવાથી અને પા
સરકાર દ્વારા પાઇપલાઇન ગેસ ફરજિયાત કરવા તરફ પગલું? જામનગરમાં ગ્રાહકોના ગેસ સિલિન્ડરનાં જોડાણો ટપોટપ રદ થતાં રોષ


જામનગર, 08 નવેમ્બર (હિ.સ.) : જામનગરમાં પાઇપલાઇન સુવિધા વગર સિલિન્ડર જોડાણ રદ થતાં ગ્રાહકોમાં ભારે રોષ વ્યાપ્યો છે. ગેસ કંપનીઓ દ્વારા પાઇપલાઇન પૂરી પાડ્યા વગર જ પૂરવઠો બંધ કરી દેવાતાં લોકો હેરાન થાય છે. બુકિંગ માટે માત્ર વોટ્સએપ વિકલ્પ હોવાથી અને પાઇપલાઇન મળવામાં મહિનાઓનું વેઇટિંગ હોવાથી ગ્રાહકોમાં અસંતોષ ઊભો થયો છે.

સરકાર દ્વારા પાઇપલાઇન મારફતે ગેસનો ઉપયોગ વધારવાની દિશામાં પગલાં લેવામાં આવી રહ્યા છે. આ નીતિ વચ્ચે જામનગરમાં એવા ગ્રાહકોના પણ સિલિન્ડરના જોડાણો રદ કરવામાં આવી રહ્યા છે જેમના ઘરમાં પાઇપલાઇન સુવિધા ઉપલબ્ધ જ નથી. ગ્રાહકના પાડોશમાં પાઇપલાઇન હોય તો પણ તેને ફરજિયાત પાઇપલાઇન ગેસ લેવા દબાણ કરાય છે. અનેક મકાનોની આંતરિક રચનામાં રસોડું પાછળના ભાગે હોવાથી પાઇપલાઇન જોડાણ લેવું વ્યવહારિક રીતે મુશ્કેલ બને છે. આ ઉપરાંત શહેરના કેટલાક વિસ્તારોમાં હજુ સુધી પાઇપલાઇન નાખવાની કામગીરી પણ શરૂ થઈ નથી.

સૌથી વધુ મુશ્કેલી એ વાતની છે કે પાઇપલાઇન માટે નવી અરજી કરવામાં આવે તો લાંબા વેઇટિંગ લિસ્ટના કારણે બે થી ચાર મહિના સુધી જોડાણ મળતું નથી. નવી પાઇપલાઇનનું જોડાણ મળે તે પહેલાં જ જૂનો ગેસ સિલિન્ડરનો પુરવઠો બંધ કરી દેવામાં આવે છે. આ કારણે અનેક પરિવારો રસોઈ બનાવવા માટે ગેસ વગર મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે.

આ ઉપરાંત સિલિન્ડર બુકિંગની વ્યવસ્થા સંપૂર્ણપણે વોટ્સએપ આધારિત બનાવી દેવામાં આવી છે. રૂબરૂ બુકિંગ કે અન્ય સરળ માધ્યમ ઉપલબ્ધ ન હોવાથી વોટ્સએપ વાપરવામાં અસમર્થ ગ્રાહકો અને વરિષ્ઠ નાગરિકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. તંત્રની આવી એકતરફી કામગીરી સામે સ્થાનિક રહીશોમાં તીવ્ર અસંતોષ જોવા મળી રહ્યો છે.

સ્થાનિક રહીશોની સ્પષ્ટ માંગ છે કે જ્યાં સુધી દરેક મકાનમાં પાઇપલાઇનનું જોડાણ સક્રિય ન થાય ત્યાં સુધી સિલિન્ડર જોડાણ રદ ન કરવા જોઈએ. પાઇપલાઇન મળ્યા બાદ જ સિલિન્ડર બંધ કરવાની વ્યવસ્થા ઊભી કરવી જોઈએ. આ સાથે બુકિંગ માટે વોટ્સએપ ઉપરાંત રૂબરૂ તેમજ અન્ય સરળ વિકલ્પો પણ શરૂ રાખવા જોઈએ. ગેસ કંપનીઓ સ્થાનિક પરિસ્થિતિ સમજીને યોગ્ય નિર્ણય લે તે જરૂરી બન્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande