
બોટાદ, 28 ફેબ્રુઆરી (હિ.સ.)બોટાદ શહેરના ખસ રોડ પર રૂપિયા 4 કરોડના ખર્ચે નિર્માણ પામનાર ડો. આંબેડકર ભવનનું ખાતમુહૂર્ત કેન્દ્રીય રાજ્યમંત્રીશ્રી નિમુબેન બાંભણીયા ના હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા અધિકારીઓ, સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.આ ભવનનું નિર્માણ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે. ભવનનો મુખ્ય હેતુ શૈક્ષણિક, સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો માટે સુવિધાસભર સ્થળ ઉપલબ્ધ કરાવવાનો છે. વિદ્યાર્થીઓ, યુવાનો અને વિવિધ સમાજિક સંસ્થાઓ માટે આ ભવન કેન્દ્રબિંદુ સાબિત થશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી. આ ભવન દ્વારા બોટાદ જિલ્લામાં સામાજિક સમરસતા અને શિક્ષણક્ષેત્રે નવી તકો ઊભી થશે.આ ભવનમાં મુખ્ય બિલ્ડિંગ ઉપરાંત કમ્પાઉન્ડ વોલ, સુંદર ગાર્ડન, યોગ્ય ડ્રેનેજ વ્યવસ્થા અને આધુનિક ફાયર સેફ્ટી જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે. સુવિધાસભર હોલ, બેઠક વ્યવસ્થા અને અન્ય આધુનિક સુવિધાઓ સાથે આ ભવન વિવિધ કાર્યક્રમો માટે આદર્શ સ્થળ બનશે.બોટાદના ખસ રોડ પર ઊભરાનાર આ ભવ્ય ભવનથી જિલ્લામાં વિકાસના નવા અધ્યાયની શરૂઆત થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિક નાગરિકોમાં પણ આ પ્રોજેક્ટને લઈને આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT