

મહેસાણા, 28 ફેબ્રુઆરી (હિ.સ.) : મહેસાણા શહેરમાં હોળી અને ધુળેટી પર્વને લઈ બજારોમાં ખરીદીનો માહોલ જામ્યો છે. આ વર્ષે પિચકારી અને રંગના ભાવમાં ગયા વર્ષની સરખામણીએ 10 થી 15% જેટલો વધારો નોંધાયો છે. છતાં પણ તોરણવાળી બજાર, ફુવારા બજાર, બી.કે રોડ અને રાધનપુર રોડ જેવા વિસ્તારોમાં ગ્રાહકોની ભીડ યથાવત જોવા મળી રહી છે.
બજારમાં ₹50થી લઈને ₹6000 સુધીની વિવિધ વેરાઈટીની પિચકારીઓ ઉપલબ્ધ છે. ખાસ કરીને ₹6000ની ચાર્જિંગ અને સેન્સર આધારિત ઓટોમેટિક પિચકારી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. આ પિચકારીમાં ઓટો-રિફિલ સિસ્ટમ આપવામાં આવી છે, જેના કારણે બાળકો અને યુવાનોમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
કાર્ટૂન કેરેક્ટરવાળી બેકપેક પિચકારીઓ ₹250થી ₹1200ની રેન્જમાં વેચાઈ રહી છે, જ્યારે ₹500થી ₹1500ની મીડિયમ પ્રેશર ગનનું વેચાણ વધુ થઈ રહ્યું છે. હર્બલ ગુલાલની માંગમાં પણ વધારો નોંધાયો છે અને ₹20માં 100 ગ્રામના ભાવે વેચાઈ રહ્યો છે.
વેપારીઓના જણાવ્યા મુજબ તહેવાર નજીક આવતા વેચાણમાં વધુ તેજી આવવાની શક્યતા છે. ભાવવધારા છતાં મહેસાણામાં રંગોત્સવને લઈ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR