પાટણ વોર્ડ 9ના કોર્પોરેટર નરેશ દવેએ ભાજપમાંથી રાજીનામું આપ્યું.
પાટણ, 28 ફેબ્રુઆરી (હિ.સ.) પાટણ નગરપાલિકાના વોર્ડ નંબર 9ના કોર્પોરેટર નરેશ દવેએ ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. તેમણે વિસ્તારના વિકાસ કાર્યોમાં અવગણના અને નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા કરવામાં આવેલી અંગત ટિપ્પણીઓને રાજીનામાનું મુખ્ય
પાટણ વોર્ડ 9ના કોર્પોરેટર નરેશ દવેએ ભાજપમાંથી રાજીનામું આપ્યું.


પાટણ, 28 ફેબ્રુઆરી (હિ.સ.) પાટણ નગરપાલિકાના વોર્ડ નંબર 9ના કોર્પોરેટર નરેશ દવેએ ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. તેમણે વિસ્તારના વિકાસ કાર્યોમાં અવગણના અને નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા કરવામાં આવેલી અંગત ટિપ્પણીઓને રાજીનામાનું મુખ્ય કારણ ગણાવ્યું છે. છેલ્લા 30 વર્ષથી જાહેર જીવનમાં સક્રિય હોવા છતાં પોતાને બદનામ કરવાનો પ્રયાસ થતો હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો છે.

નરેશ દવે 2021માં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટાયા હતા. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કાર્યશૈલીથી પ્રેરાઈ તેઓ કોઈ શરત વિના ભાજપમાં જોડાયા હતા. જોકે, પક્ષમાં જોડાયા પછી પણ તેમના વિસ્તારના પ્રશ્નો ઉકેલાયા ન હોવાનો તેમણે દાવો કર્યો છે.

તેમણે મોતીશા વિસ્તારમાં પેવર બ્લોક, દેવીપૂજક સમાજના આઠ બાઈ માતાના મંદિર રોડનું કામ અને માખણિયા તળાવના પાણીના પ્રશ્ને નગરપાલિકા ભેદભાવ રાખતી હોવાનો આરોપ લગાવ્યો છે. વિકાસ કાર્યોમાં સતત અવગણના થતી હોવાનો તેમણે ઉલ્લેખ કર્યો છે.

રાજીનામાના મુખ્ય કારણ તરીકે તેમણે ચીફ ઓફિસરના વલણને જવાબદાર ઠેરવ્યું છે. લારી-ગલ્લાની હરાજી મુદ્દે તેમની ડોક્ટર તરીકેની વ્યવસાયિક પ્રતિષ્ઠાને લઈને વાંધાજનક ટિપ્પણીઓ કરવામાં આવી હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે. આ બાબતે જિલ્લા ભાજપ પ્રમુખને જાણ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતા તેમણે અંતે રાજીનામું આપવાનો નિર્ણય લીધો.

ચીફ ઓફિસર હિરલ ઠાકરે આ આક્ષેપોને નકારી કાઢ્યા છે. તેમના કહેવા મુજબ, ડો. નરેશ દવેએ આનંદ સરોવર પાસેની ટ્રાફિક વ્યવસ્થા અંગે સોશિયલ મીડિયામાં ખોટા આક્ષેપ કર્યા હતા. ફેરિયાઓને સરકારની યોજનાઓ અંગે માહિતી આપવી સિવાય કોઈ વ્યક્તિગત ટિપ્પણી કરવામાં આવી નથી અને રાજીનામું આપવા દર્શાવાયેલા કારણો યોગ્ય નથી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande