સુરતના મિલેનિયમ માર્કેટ-1માં ભીષણ આગ, ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર
સુરત, 28 ફેબ્રુઆરી (હિ.સ.)-શહેરના કમલા દરવાજા વિસ્તારમાં સ્થિત મિલેનિયમ માર્કેટ-1માં સવારે અચાનક ભીષણ આગ લાગી જતાં વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આગની ગંભીરતા જોતા ફાયર વિભાગે તાત્કાલિક ‘મેજર કોલ’ જાહેર કર્યો હતો. આગની જાણ થતા જ સુરત ફાયર બ્રિગે
સુરતના મિલેનિયમ માર્કેટ-1માં ભીષણ આગ


સુરત, 28 ફેબ્રુઆરી (હિ.સ.)-શહેરના કમલા દરવાજા વિસ્તારમાં સ્થિત મિલેનિયમ માર્કેટ-1માં સવારે અચાનક ભીષણ આગ લાગી જતાં વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આગની ગંભીરતા જોતા ફાયર વિભાગે તાત્કાલિક ‘મેજર કોલ’ જાહેર કર્યો હતો.

આગની જાણ થતા જ સુરત ફાયર બ્રિગેડની ટીમ તરત જ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. શહેરના ચાર અલગ-અલગ ફાયર સ્ટેશનમાંથી ગાડીઓ અને ફાયર ફાઈટર્સ તહેનાત કરવામાં આવ્યા હતા. ધુમાડાના કાળા ગોટેગોટા દૂર સુધી દેખાતા હોવાથી અને આગ ઝડપથી ફેલાતી હોવાને કારણે બચાવ કામગીરી તેજ ગતિએ હાથ ધરાઈ છે.

ફાયર વિભાગના પ્રાથમિક અહેવાલ મુજબ 2થી 3 દુકાનો આગની ઝપેટમાં આવી હતી. જોકે, માર્કેટમાં અંદાજે 3600 જેટલી દુકાનો હોવાને કારણે કોઈ જાનહાનિ ન થાય તે માટે તંત્રએ સમગ્ર માર્કેટ ખાલી કરાવવાની સૂચના આપી અને સાવચેતીરૂપે વેપાર બંધ કરાવ્યો હતો.

આ ઘટનાથી કાપડ બજારના વેપારીઓમાં ભારે ચિંતા વ્યાપી છે, કારણ કે કરોડો રૂપિયાના માલને નુકસાન થવાની ભીતિ ઊભી થઈ છે. આસપાસના વિસ્તારોમાં પણ ભયનો માહોલ સર્જાયો છે.

હાલમાં ફાયર વિભાગ હાઇડ્રોલિક પ્લેટફોર્મ સહિત આધુનિક સાધનોની મદદથી આગ પર કાબૂ મેળવવા મથામણ કરી રહ્યો છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande