
બોટાદ, 28 ફેબ્રુઆરી (હિ.સ.) : ખેડૂતો દ્વારા ખેતરમાં રાસાયણિક ખાતરનો વધુ પડતો ઉપયોગ ટાળવા એક વ્યાપક બહુસ્તરીય પદ્ધતિની આવશ્યકતા છે. આ પદ્ધતિ મુજબ જરૂરી અમલવારી સારૂ ભારત સરકાર દ્વારા ધરતી માતા બચાઓ” અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે ગ્રામ્ય કક્ષાએ, સબ ડિવિઝનલ કક્ષાએ અને જિલ્લા કક્ષાએ નિગરાની સમિતિઓની રચના કરવામાં આવી છે. જેના અનુસંધાને બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના પ્રાંત અધિકારી સંજય ચૌધરીની અધ્યક્ષતામાં નિગરાની કમિટીની બેઠક યોજાઇ હતી.આ બેઠકમાં ખેડૂતોએ રસાયણિક ખાતરના ઉપયોગ ટાળવા, બિન-કૃષિ ઉપયોગ અથવા ગ્રામ્ય પંચાયતની બહાર વેચાણ થતા ખાતરના ડાયવર્ઝનના કિસ્સામાં તંત્રને જાણ કરવા, ખેડૂતોમાં વિતરણ કરાયેલ સોઇલ હેલ્થ કાર્ડથી જમીનમાં પોષકતત્વોની ઉણપને ઘ્યાને રાખી જમીનનું પ્રત, સ્વાસ્થ્ય અને ફળદ્રુપતા સુધારવા આવશ્યક ખાતરોનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવા, રવી સિઝન પહેલા અને ખરીફ સિઝન પહેલા ગ્રામ પંચાયતની બેઠક બોલાવવી, કૃષિમાં રાસાયણિક ખાતરો પરની નિર્ભરતા ઘટે અને રસાયણમુક્ત તથા પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે ખેડૂતોને તાલીમ, માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવા માટે સંકલન કરવા સહિતની બાબતોની ચર્ચા કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે બોટાદ પ્રાંત અધિકારી આરતીબેન ગોસ્વામીનાં અધ્યક્ષસ્થાને બોટાદ તાલુકાની સમીક્ષા બેઠક યોજાઇ હતી, જેમાં પ્રાંત અધિકારી દ્વારા બોટાદ તાલુકાનાં વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તે માટે જરૂરી માર્ગદર્શન આપવા સૂચના આપવામાં આવી હતી. બરવાળા ખાતેની આ બેઠકમાં બોટાદ ખેતી અધિકારી હિતેશ ચૌધરી, બરવાળા ખેતી અધિકારી હાર્દિક મકવાણા સહિત વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT