
સુરત, 10 માર્ચ (હિ.સ.): સોશિયલ મીડિયા પરથી શરૂ થયેલો પ્રેમ સુરતમાં એક અનોખી ઘટનામાં ફેરવાયો છે. મધ્યપ્રદેશની 21 વર્ષીય યુવતી અને રાજકોટ જિલ્લાના વિરપુરના 17 વર્ષના કિશોર વચ્ચે દોઢ વર્ષ પહેલા ઇન્સ્ટાગ્રામ દ્વારા ઓળખાણ થઈ હતી. સમય જતાં બંને વચ્ચે નજીકતા વધતી ગઈ અને મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. બંનેએ સાથે જીવન જીવવાની કસમો પણ ખાધી હતી.
પરંતુ યુવતીના પરિવારને આ સંબંધ વિશે જાણ થતાં તેમણે તેના અન્ય સ્થળે લગ્ન નક્કી કરી દીધા. ત્યારબાદ યુવતીએ પોતાના પ્રેમી સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો અને 6 માર્ચે કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી ગઈ. તે કિશોરને સાથે લઈ પહેલા મુંબઈ અને પછી સુરત પહોંચી હતી.
આ દરમિયાન કિશોર ઘરે ન મળતા તેના પરિવારજનોએ વિરપુર પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવી. તપાસ દરમિયાન પોલીસને માહિતી મળી કે એક યુવતી કિશોરને સાથે લઈને સુરત પહોંચી છે. ત્યારબાદ સુરત રેલવે પોલીસને જાણ કરવામાં આવી હતી.
સુરત રેલવે સ્ટેશન પર પેટ્રોલિંગ દરમિયાન શી-ટીમને જનરલ વેઇટિંગ રૂમમાં એક યુવતી અને કિશોર ગભરાયેલા હાલતમાં બેઠેલા જોવા મળ્યા. પૂછપરછ કરતા આખી ઘટના સામે આવી. ત્યારબાદ સુરત રેલવે પોલીસે વિરપુર પોલીસનો સંપર્ક કરી બંનેને તેમની કસ્ટડીમાં સોંપ્યા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે