




- ઉમલ્લા રંગ મંદિર અવધૂતી ગઢ તરીકે ઓળખાય છે
ભરૂચ, 15 માર્ચ (હિ.સ.) : ઉમલ્લામાં દત્ત ભક્તિનો માહોલ સર્જાયો હતો. રંગ અવધૂત મહારાજની પવિત્ર મઢુલીમાં સ્મૃતિ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.નગરવાસીઓએ દત્ત બાવની અને ભજન-કીર્તન સાથે ધન્યતા અનુભવી હતી. પાલીબેન પટેલ તરફથી મહાપ્રસાદનું સુંદર આયોજન થયું હતું.
ઝગડિયા તાલુકાના ઉમલ્લા ખાતે પરમ પૂજ્ય પ્રાતઃ સ્મરણીય રંગ અવધૂત મહારાજની પવિત્ર સ્મૃતિમાં ભક્તિમય કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક મહોત્સવમાં મોટી સંખ્યામાં ઉમલ્લા સહિત આસપાસના વિસ્તારના ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા અને સમગ્ર વિસ્તાર દત્ત ભક્તિના નાદથી ગુંજી ઉઠ્યો હતો.
મહારાજની સ્મૃતિમાં અનેરું આયોજન
ઉલ્લેખનીય છે કે નારેશ્વરના સંતરાજ રંગ અવધૂત મહારાજ જ્યારે હયાત હતા, ત્યારે તેઓ ઘણી વખત ઉમલ્લાની મુલાકાત લેતા હતા. ઉમલ્લા સ્થિત મઢુલીમાં રોકાઈને તેમણે અનેક વખત નગરવાસીઓને દત્ત ભક્તિ અને આધ્યાત્મિક માર્ગે ચાલવાનો બોધ આપ્યો હતો. મહારાજશ્રીના તે સમયના સંસ્મરણો આજે પણ નગરવાસીઓના હૃદયમાં જીવંત છે, જે અંતર્ગત આ વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.
ભક્તિમય કાર્યક્રમો અને સન્માન
કાર્યક્રમ દરમિયાન રંગ મંડળના સભ્યો દ્વારા ભજન, કીર્તન અને આરતીનું ભવ્ય આયોજન કરાયું હતું. ભક્તોએ સમૂહમાં 'દત્ત બાવની'ના પાઠ કરીને વાતાવરણમાં આધ્યાત્મિક ઉર્જા ભરી દીધી હતી. આ પ્રસંગે સેવા આપનાર રંગ મંડળના સભ્યોનું વિશેષ સન્માન પણ કરવામાં આવ્યું હતું.
મહાપ્રસાદનો લ્હાવો
આ ધાર્મિક મહોત્સવના ભાગરૂપે પાલીબેન પટેલ દ્વારા તમામ ભાવિકો માટે ભવ્ય મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ બાદ મોટી સંખ્યામાં ભક્તોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. ભક્તિ, સેવા અને સમર્પણના ત્રિવેણી સંગમ સમાન આ કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ ભાવિકોએ ધન્યતાનો અનુભવ કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ