





પોરબંદર, 10 માર્ચ (હિ.સ.)આધુનિક સમયમાં જ્યારે રાસાયણિક ખેતીના કારણે જમીન અને માનવ સ્વાસ્થ્ય બંને જોખમાયા છે, ત્યારે પોરબંદર જિલ્લાના ખેડૂતોએ 'ઝેરમુક્ત ખેતી'ના મંત્રને આત્મસાત કરીને એક નવી રાહ ચીંધી છે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના સતત માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાના સંકલ્પને સાકાર કરવામાં પોરબંદરના પ્રગતિશીલ કૃષિકારો અગ્રેસર રહ્યા છે. રાસાયણિક ખેતીના ખર્ચાળ માળખામાંથી બહાર નીકળી, પ્રકૃતિ સાથે તાલ મિલાવીને કેવી રીતે આર્થિક સમૃદ્ધિ અને આત્મસંતોષ મેળવી શકાય, તેનું ઉત્તમ ઉદાહરણ પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના રાણાકંડારણા ગામના કૃષિકાર પ્રકાશભાઈ મનસુખભાઈ સુરેલા છે.
પ્રગતિશીલ પ્રાકૃતિક કૃષિકાર પ્રકાશભાઈ સુરેલાની વાડીમાં આજે પક્ષીઓનો કલરવ અને જમીનની જીવંત સુગંધ એ વાતની સાક્ષી પૂરે છે કે કુદરતના ખોળે પાછા ફરવામાં જ સાચું સુખ છે. સ્થાનિક પ્રગતિશીલ પ્રાકૃતિક કૃષિકાર દેવાભાઈ ખૂંટીના અને આત્મા માર્ગદર્શનમાં રાસાયણિક ખેતીના વધતા ખર્ચ અને જમીનની ઘટતી ફળદ્રુપતાથી ચિંતિત પ્રકાશભાઈએ જ્યારે 2.5 વીઘામાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિનો પ્રયોગ કર્યો, ત્યારે તેમને અહેસાસ થયો કે ગાય આધારિત ખેતી એ માત્ર વ્યવસાય નહીં પણ જીવન પદ્ધતિ છે. આજે તેમનો આ વિશ્વાસ 'વેલનાથ પ્રાકૃતિક ફાર્મ'માં વટવૃક્ષ બની ચૂક્યો છે.
કૃષિકાર પ્રકાશભાઈ ખૂબ જ ગર્વ સાથે કહે છે કે, જ્યારે તેઓ રાસાયણિક ખેતી કરતા, ત્યારે જમીન તો બગડતી જ, પણ ખર્ચ પણ કમરતોડ રહેતો. પરંતુ 2017 માં જ્યારે તેમણે 'વેલનાથ પ્રાકૃતિક ફાર્મ' થકી આ પ્રાકૃતિક ખેતીની પદ્ધતિ અપનાવી, ત્યારે તેમને ખરેખર ધરતી માતાની શક્તિ સમજાઈ. આજે 21 વીઘામાં વિવિધ શાકભાજી, મગફળી, તલ, જીરૂ, ઘાણા અને ઘઉં જેવો પાક જોઈને મન પ્રફુલ્લિત થઈ જાય છે. તેઓ જ્યારે પાંચ-દસ પાંદડિયા અર્ક, અગ્નિઅસ્ત્ર જેવી કુદરતી પદ્ધતિઓથી જીવાતનું સો ટકા નિયંત્રણ કરે છે, ત્યારે તેમનો એ સંતોષ જ કંઈક અલગ હોય છે.
વધુમાં તેમણે જણાવ્યું પ્રાકૃતિક ખેતીથી તૈયાર થયેલી ખેત પેદાશોનો ઉપયોગ કરવાથી બીમારીઓ આવતી નથી અને દવાખાનાનો ખર્ચ પણ બચે છે અને ગ્રાહકો સામે ચાલીને તેમના ખેતરે આવે છે અને હોંશે હોંશે દોઢ ગણા ભાવથી માલ ખરીદે છે. પ્રકાશભાઈનું માનવું છે કે ખેડૂતોએ હવે જાગવાનો સમય આવી ગયો છે, કારણ કે પ્રાકૃતિક ખેતી એ જ આવતીકાલની પેઢીનું સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ છે.
આમ, પ્રકાશભાઈ સુરેલાએ સાબિત કરી દીધું છે કે જો ખેડૂત મક્કમ નિર્ધાર કરે તો પ્રાકૃતિક ખેતી દ્વારા ધરતી માતાને ફરીથી ફળદ્રુપ બનાવી શકાય છે અને ખેતીને ખરા અર્થમાં નફાકારક વ્યવસાય બનાવી શકાય છે. તેમની આ સફળતા માત્ર વ્યક્તિગત સિદ્ધિ નથી, પરંતુ સમગ્ર જિલ્લાના અન્ય ખેડૂતો માટે એક દીવાદાંડી સમાન છે. જ્યારે રાષ્ટ્રીય કક્ષાએ 'ઝેરમુક્ત ખેતી' અને 'આત્મનિર્ભર કૃષિ' પર ભાર મૂકવામાં આવી રહ્યો છે, ત્યારે પ્રકાશભાઈ જેવા ખેડૂતોના પ્રયાસો નવી પેઢીને ખેતી તરફ પાછા લાવવા અને પર્યાવરણના જતનમાં પાયાનું યોગદાન આપી રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya