



પોરબંદર, 10 માર્ચ (હિ.સ.) પોરબંદર શહેરમાં સ્વચ્છતા જાળવવા તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગને અટકાવવા મહાનગરપાલિકા દ્વારા સતત ચકાસણી અને દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. મ્યુનિસિપલ કમિશનર તથા નાયબ મ્યુનિસિપલ કમિશનર (પ્રોજેક્ટ)ના માર્ગદર્શન હેઠળ સેનિટેશન વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં વિશેષ તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
આ અભિયાન અંતર્ગત સેનિટેશન ઓફિસર જગદીશ ઢાંકી તથા અલગ-અલગ વોર્ડના સેનિટરી સબ ઇન્સ્પેક્ટરો દ્વારા ફેબ્રુઆરી –2026 દરમ્યાન વેપારીઓ પાસે ચેકિંગ કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન 120 માઇક્રોનથી ઓછી જાડાઈની પ્રતિબંધિત પ્લાસ્ટિકની બેગ (ઝબલા) ગ્રાહકોને આપતા વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. કુલ 39 વેપારીઓ પાસેથી વહીવટી ચાર્જ રૂપે રૂ. 11,600/- વસૂલ કરવામાં આવ્યા હતા તેમજ અંદાજે 24 કિલો જેટલું પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું.
ઉપરાંત જાહેરમાં કચરો ફેંકનાર વ્યક્તિઓ, ગંદકી ફેલાવનાર તથા જાહેર સ્થળોએ અનધિકૃત રીતે ઘાસચારો વેચતા લોકો સામે પણ મહાનગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કુલ 52 વ્યક્તિઓ પાસેથી રૂ. 28,150/- નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકો તથા વેપારીઓને સ્વચ્છતા જાળવવા માટે અપીલ કરવામાં આવી છે કે તેઓ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરે, જાહેર સ્થળોએ કચરો ન ફેંકે અને ઘરો તથા દુકાનોમાંથી નીકળતો કચરો નિર્ધારિત ડસ્ટબિનમાં એકત્રિત કરી મહાનગરપાલિકાની ડોર-ટુ-ડોર કચરા સંગ્રહ વાહનમાં જ આપવો.
મહાનગરપાલિકા દ્વારા વધુમાં જણાવવામાં આવ્યુ છે કે સ્વચ્છતા નિયમોનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિઓ અને વેપારીઓ સામે મહાનગરપાલિકાના ઉપનિયમો મુજબ રૂ. 100/- થી લઈને રૂ. 5,000/- સુધીનો દંડ વસૂલ કરવામાં આવશે તેમજ આવનારા સમયમાં આવા ચેકિંગ અભિયાનને વધુ કડક બનાવવામાં આવશે. શહેરને સ્વચ્છ, સ્વસ્થ અને પ્લાસ્ટિકમુક્ત બનાવવા માટે મહાનગરપાલિકાને સહકાર આપવા તમામ નાગરિકોને વિનંતી કરવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya