
સુરત, 10 માર્ચ (હિ.સ.): સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા પૂર્ણ થયા બાદ ભાજપ અને આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો વચ્ચે તીવ્ર બોલાચાલી અને હોબાળો સર્જાયો હતો. પરિસ્થિતિ ત્યારે વધુ તંગ બની ગઈ જ્યારે AAPના કોર્પોરેટર મહેશ અણઘણનું લેપટોપ તૂટી ગયું હોવાનું સામે આવ્યું. AAPના નેતાઓએ આરોપ લગાવ્યો કે લેપટોપમાં ભાજપ સરકારની નિષ્ફળતાઓ દર્શાવવામાં આવી રહી હતી, જેના કારણે ભાજપના કોર્પોરેટરોએ તેને નુકસાન પહોંચાડ્યું.
વિવાદ દરમિયાન AAPના કુંદન કોઠીયા અને ભાજપના કોર્પોરેટર ઉર્વશીબેન વચ્ચે તણાવ વધી ગયો અને હાથપાઈ જેવી સ્થિતિ ઉભી થઈ હતી. બીજી તરફ ભાજપના વૃજેશ ઉનડકટ અને કૃણાલ સેલરે આક્ષેપ કર્યો કે કુંદન કોઠીયાએ અભદ્ર ભાષાનો ઉપયોગ કરતા વાતાવરણ વધુ ગરમાયું. આખરે સિક્યુરિટી ગાર્ડ્સ વચ્ચે પડીને મામલો શાંત કરવાનો પ્રયાસ કર્યો.
સભા પછી બંને પક્ષના કોર્પોરેટરો વચ્ચે નારેબાજી પણ જોવા મળી. ભાજપના સભ્યો દ્વારા “હાય રે આપ”ના નારા લગાવવામાં આવ્યા, જ્યારે સામે આપના કોર્પોરેટરો દ્વારા “હાય રે ભાજપ”ના નારા સાથે વિરોધ વ્યક્ત થયો. આ દરમિયાન એક મહિલા કોર્પોરેટરના નિવેદનને કારણે વાતાવરણ વધુ બગડ્યું હતું.
આ સામાન્ય સભામાં એક મહત્વપૂર્ણ નિર્ણય પણ લેવામાં આવ્યો. સુરત મનપાના મુખ્યાલય ‘મુઘલસરાઈ’નું નામ બદલીને હવે ‘તાપી ભવન’ રાખવાની અને આસપાસના વિસ્તારને ‘શ્રી તાપી પુરા’ તરીકે ઓળખાવવાની દરખાસ્ત સર્વાનુમતે મંજૂર થઈ. મેયર દક્ષેશ માવાણી દ્વારા રજૂ કરાયેલા આ પ્રસ્તાવને શાસક અને વિપક્ષ બંને તરફથી સમર્થન મળ્યું, જેથી તાપી નદી સાથે જોડાયેલા સુરતના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરવાની વાત આગળ આવી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે