

- 200 વર્ષના ભવ્ય ઇતિહાસ બાદ જેતલપુરધામનો મહિમાં આજે પણ એટલો જ અકબંધ છે :
જગદીશ વિશ્વકર્મા
- 'વોકલ ફોર લોકલ', 'આત્મનિર્ભર ભારત' અને 'મેક ઇન ઇન્ડિયા'ના સપનાને સાકાર કરવા હરિભક્તોને સ્વદેશી વસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખવા વિનંતી કરતા જગદીશ વિશ્વકર્મા
અમદાવાદ,10 માર્ચ (હિ.સ.) ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા દસક્રોઈ તાલુકાના જેતલપુરધામ ખાતે રેવતી બળદેવજી હરિકૃષ્ણ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠાના 200 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરે આયોજિત 'દ્વિશતાબ્દી પાટોત્સવ'માં ઉપસ્થિત રહ્યાં હતાં.
જગદીશ વિશ્વકર્માએ કૌશલ્યપ્રસાદ મહારાજ,તેજેન્દ્રપ્રસાદ મહારાજ, વજેન્દ્રપ્રસાદ મહારાજ તથા સ્વામી નિર્ગુણદાસ મહારાજ સહિત ઉપસ્થિત સર્વે સાધુ સંતોને વંદન કરી 'જય સ્વામિનારાયણ'ના નાદ સાથે હરિભક્તોને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, ભગવાનની અસીમ કૃપાથી આજે જેતલપુરમાં જાણે એક આખું નગર વસ્યું હોય તેવો દિવ્ય સમૈયો ઉજવાઈ રહ્યો છે. તેમણે પોતાના બાળપણના સ્મરણો વાગોળતા કહ્યું કે, નાનપણમાં તેઓ ચાલીને જેતલપુર દર્શનાર્થે આવતા. 200 વર્ષના ભવ્ય ઇતિહાસ બાદ આ સ્થાનનો મહિમાં આજે પણ એટલો જ અકબંધ છે.
સંસ્થાના કાર્યને બિરદાવતા તેમણે એક માર્મિક ઉદાહરણ આપતા કહ્યું કે, આ સંસ્થા એક સ્ટેપ્લર મશીન જેવું કાર્ય કરે છે અને આપણે સૌ તેની પીન સમાન છીએ. જેમ કરોડો રૂપિયાના દસ્તાવેજોને એક નાનકડી સ્ટેપ્લરની પીન સાચવી રાખે છે, તેમ જો આપણું જોડાણ મંદિર અને ભગવાન સાથે હશે તો જ આપણું જીવન અને સંસ્કારો સુરક્ષિત રહેશે. જો આ જોડાણ તૂટ્યું, તો સમજજો કે જિંદગીનો સૌથી અગત્યનો કાગળ વિખેરાઈ ગયો.
મહોત્સવમાં આયોજિત પ્રદર્શનીની પ્રશંસા કરતા તેમણે જણાવ્યું કે, આતંકવાદીઓ સામે ભારતીય સેનાએ આપેલા જડબાતોડ જવાબ 'ઓપરેશન સિંદૂર'ની પ્રદર્શની યુવા પેઢીમાં દેશભક્તિ જગાડનારી છે. આ ઉપરાંત ઉભી કરાયેલી બાળનગરી, રક્તદાન શિબિર અને વ્યસન મુક્તિ જેવા સેવાકીય પ્રકલ્પો સનાતન ધર્મના સાચા પ્રચારનું માધ્યમ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહ્વાન અનુસાર 'વોકલ ફોર લોકલ', 'આત્મનિર્ભર ભારત' અને 'મેક ઇન ઇન્ડિયા'ના સપનાને સાકાર કરવા તેમણે હરિભક્તોને સ્વદેશી વસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખવા વિનંતી કરી હતી.
વર્તમાન વૈશ્વિક યુદ્ધની સ્થિતિ સંદર્ભે વિશ્વકર્માએ તમામ ભક્તોને વિશ્વમાં શાંતિ સ્થપાય અને હકારાત્મક વાતાવરણ સર્જાય તે માટે બે મિનિટ સ્વામિનારાયણ ધૂન કરવા આહવાન કર્યું હતું. અંતમાં, ભારતને આત્મનિર્ભર બનાવવાના સંકલ્પ સાથે સહુને સાથે મળી સહકાર આપવા તેમણે અપીલ કરી હતી.
આ ગરિમામય પ્રસંગે પ્રદેશ મહામંત્રી ડૉ. પ્રશાંત કોરાટ, ભાજપા અગ્રણીઓ તથા આગેવાનઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ