
પાટણ, 10 માર્ચ (હિ.સ.)સુરતની પોસ્ટ ઓફિસમાં આવેલી પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેલ મળતા સમગ્ર ગુજરાતના પોસ્ટ વિભાગમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં રાજ્યનું વહીવટી તંત્ર તરત જ હરકતમાં આવ્યું અને તમામ હેડ પોસ્ટ ઓફિસોને હાઈ એલર્ટ પર રહેવા સૂચના આપવામાં આવી.
આ સાવચેતીના પગલે પાટણ શહેરની હેડ પોસ્ટ ઓફિસને તાત્કાલિક અસરથી ખાલી કરાવી દેવામાં આવી હતી. અચાનક ઓફિસ ખાલી કરાવાતા કર્મચારીઓ અને કામ માટે આવેલા નાગરિકોમાં થોડા સમય માટે ગભરાટનો માહોલ સર્જાયો હતો.
ઘટનાની ગંભીરતા જોતા પાટણ હેડ પોસ્ટ ઓફિસના સુપરિટેન્ડેન્ટે જિલ્લા પોલીસ અધિક્ષક અને કલેક્ટરને જાણ કરી. ત્યારબાદ સુરક્ષા એજન્સીઓ દ્વારા સમગ્ર પરિસરની તપાસ શરૂ કરી અને જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ