ગીર સોમનાથ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી પોતાના સ્વાભિમાનને ઉન્નત રાખી મહિલાઓ સમાજમાં અગ્રેસર બને :- જિલ્લા કલેકટર એન.વી ઉપાધ્યાય
ગીર સોમનાથ, 10 માર્ચ (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લામાં આજે ''આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ''ની ઉજવણી ''રાઈટ જસ્ટિસ ફોર ઓલ વુમેન એન્ડ ગર્લ્સ'' ની થીમ પર સોમનાથ મંદિર પાસે આવેલ રામ મંદિર ઓડિટોરિયમ હોલ ખાતે કરવામાં આવી હતી. જિલ્લા કલેકટર એન.વી. ઉપાધ્યાય
ગીર સોમનાથ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી


ગીર સોમનાથ, 10 માર્ચ (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લામાં આજે 'આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ'ની ઉજવણી 'રાઈટ જસ્ટિસ ફોર ઓલ વુમેન એન્ડ ગર્લ્સ' ની થીમ પર સોમનાથ મંદિર પાસે આવેલ રામ મંદિર ઓડિટોરિયમ હોલ ખાતે કરવામાં આવી હતી.

જિલ્લા કલેકટર એન.વી. ઉપાધ્યાયે આ અવસરે જણાવ્યું કે, મહિલાઓ પોતાના ક્ષેત્રમાં સ્વાભિમાનને ઉન્નત રાખી આગળ આવે અને સમાજમાં અગ્રેસર બને તે જરૂરી છે.

આજે પણ દૂરદરાજના ક્ષેત્રોમાં રહેતી મહિલાઓ તેમને મળતા અધિકારો અને તકોથી પરિચિત નથી, ત્યારે આવી મહિલાઓ તેમના અધિકારોથી જાગૃત અને વાકેફ બને તે સમયની માંગ છે.

મહિલાઓ આજે સમાજના તમામ ક્ષેત્રોમાં આગળ આવી છે. છતાં, આવી મહિલાઓને પોતાનો હક ન મળતો હોય તો કયા કાયદાનો ઉપયોગ કરી શકાય, તે ઉપરાંત, પોતાના સ્વાભિમાનને ઠેસ પહોંચતી હોય તો કાયદાનું શરણ કેવી રીતે લઈ શકાય તે વિશેની જાગૃતિ ફેલાવતા સેમિનાર વર્ષ દરમિયાન ચાલતા રહેવા જોઈએ તેમ તેમને વધુમાં જણાવ્યું હતું.

જિલ્લા બાળ સંરક્ષણ આયોગના સભ્ય શ્રી અમૃતા અખિયાએ એક સમયે ભારતની મહિલાઓ ઘરનો ઉબરો ઓળંગતી ન હતી. અંધશ્રદ્ધા, કૂરિવાજો વચ્ચે અને પરંપરાગત ઋઢિઓને ઉવેખીને બહાર નીકળતી ન હતી તેવા સમયે પણ રાણી લક્ષ્મીબાઈ, અહલ્યાબાઇથી માંડીને વર્તમાનમાં શ્રીમતી નિર્મલા સીતારામન સુધીની મહિલાઓએ સ્ત્રી સશક્તિકરણનો આગવો પથ કંડાર્યો છે, તેમાંથી પ્રેરણા લેવી જોઈએ તેમ તેમણે જણાવ્યું હતું.

રેન્જ ફોરેસ્ટ ઓફિસર રસીલાબેન વાઢેરે મહિલાઓએ હિંમતવાન બનવું જોઈએ અને સમાજે પણ તેને આગળ વધવા માટે પ્લેટફોર્મ આપવું જોઈએ તેમ જણાવી સ્ત્રીના મા થી માંડીને દીકરી સુધીના રોલની ભૂમિકા વર્ણવી હતી.

સાઇબર ક્રાઇમ વિભાગના મહિલા એએસઆઈ ધારાબેન મોરીએ વર્તમાનમાં સાયબર ક્રાઇમથી થતા બનાવો અને ઘટનાઓ વિશે વાત કરીને આવા પ્રસંગો કે ઘટનાઓએ કઈ રીતે સાવધ અને સાવચેત રહી સામનો કરવો જોઈએ તે વિશેની વાત કરી હતી.

કલેકટર અને અધિકારીઓના હસ્તે મહિલાલક્ષી વ્હાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, મહિલા સ્વાવલંબન યોજના સહિત અન્ય સરકારી યોજનાઓના લાભાર્થીઓને સહાયના ચેક તથા મંજૂરી હુકમોનું વિતરણ કરવામાં આવ્યું હતું. મહિલા ઉદ્યમીઓ જેવી કે, માછીમાર, પશુપાલન, સખી મંડળ, રમત-ગમત વગેરે ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર મહિલાઓના પ્રમાણપત્ર અને મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું.

જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રી એમ. જી. વારસૂરે સમગ્ર કાર્યક્રમની ભૂમિકા આપી સૌનું હાર્દિક સ્વાગત કર્યું હતું. દહેજ પ્રતિબંધક અધિકારી શ્રી સોનલબેન રાઠોડે આભારવિધિ કરી હતી.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીમાં મદદનીશ ઉદ્યોગ કમિશનર હાર્દિકસિંહ વાઘેલા, જિલ્લામાંથી પધારેલ નારીશક્તિ ઉપસ્થિત રહી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande